ભુજમાં બાળકોના સર્વાંગી વિકાસ, ધાર્મિક મૂલ્યોના સંવર્ધન અને સંસ્કારમય જીવનશૈલીના નિર્માણને કેન્દ્રસ્થાને રાખીને એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અણુવ્રત સમિતિ ભુજ, અષ્ટાપદ મહાતીર્થ મેમોરિયલ અને વીતરાગ વિહારધામના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભુવા ફાર્મ ખાતે આવેલી નવકાર ધ રેસીડેન્સીમાં તેરાપંથ સભા ભુજની જ્ઞાનશાળાના બાળકો માટે ધાર્મિક, જ્ઞાનવર્ધક અને મનોરંજક પિકનિકનું સફળ આયોજન કરવામાં આવ્યું. "જ્ઞાન સાથે ગમ્મત"ના ભાવસભર સૂત્ર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે બાળકોને આનંદની સાથે જીવનમૂલ્યોનું પણ અમૂલ્ય ભાથું પૂરું પાડ્યું.
કાર્યક્રમમાં જ્ઞાનશાળાના આશરે 50 જેટલા બાળકો તેમજ 15 જેટલી પ્રશિક્ષિકાઓ સહિત કુલ 60થી વધુ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન બાળકોમાં શિસ્ત, સહભાગિતા, સર્જનાત્મકતા અને ધાર્મિક ભાવનાઓ વિકસે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતાં-રમતાં શીખવાની પદ્ધતિ દ્વારા બાળકોને જ્ઞાન સાથે આનંદનો અદભૂત અનુભવ કરાવવામાં આવ્યો હતો.
પિકનિક દરમિયાન ધાર્મિક પ્રશ્નોત્તરી, સંસ્કારપ્રેરક પ્રવૃત્તિઓ, જ્ઞાનવર્ધક રમતો અને વિવિધ મનોરંજક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બાળક ઉત્સાહ અને ઉમંગ સાથે તમામ પ્રવૃત્તિઓમાં જોડાયો હતો. સમગ્ર વાતાવરણ હાસ્ય, આનંદ અને ધાર્મિક ઊર્જાથી છલકાતું જોવા મળ્યું હતું, જેના કારણે બાળકો માટે આ દિવસ યાદગાર બની રહ્યો.
આ પ્રસંગે અષ્ટાપદ મહાતીર્થ અને વીતરાગ વિહારધામના ટ્રસ્ટી વિરેન કનૈયાલાલ શેઠ તેમજ અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં સારા સંસ્કારો, નૈતિક મૂલ્યો અને ધર્મ પ્રત્યેની આસ્થા વ્યક્તિના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયું બને છે. તેમણે બાળકોને સદાચાર, શિસ્ત અને સેવા ભાવના અપનાવી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં યોગને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. વિજયભાઈ શેઠ અને લતાબેન વોરાએ બાળકોને યોગના મહત્વ, તેના આરોગ્યલક્ષી લાભો અને સ્વસ્થ જીવનશૈલી વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બાળકોને કેટલીક સરળ યોગક્રિયાઓ કરાવી પ્રાયોગિક અનુભવ પણ અપાયો, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાનશાળાની પ્રશિક્ષિકાઓ, ભરતભાઈ બાબરિયા સહિત અનેક સેવાભાવી કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. તેમના સુવ્યવસ્થિત આયોજન અને સહયોગના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ પણ વાંચો
દંતકથારૂપ જય વીરુ સિંહની જોડીને
દંતકથારૂપ જય વીરુ સિંહની જોડીને
કાર્યક્રમના અંતે તમામ બાળકો માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો, પ્રશિક્ષિકાઓ અને ઉપસ્થિત વાલીઓએ આવા સંસ્કારલક્ષી કાર્યક્રમોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકોને ધાર્મિક, નૈતિક અને સામાજિક મૂલ્યો સાથે જોડતા આવા કાર્યક્રમો સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
અણુવ્રત સમિતિ ભુજ, અષ્ટાપદ મહાતીર્થ મેમોરિયલ અને વીતરાગ વિહારધામ દ્વારા આયોજિત આ સંસ્કારમય પિકનિક માત્ર મનોરંજન પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ બાળકોમાં જ્ઞાન, આધ્યાત્મિકતા, સ્વાસ્થ્ય જાગૃતિ, એકતા અને સારા જીવનમૂલ્યોનું સિંચન કરતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો હતો. આ કાર્યક્રમે બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે નવી દિશા પ્રસ્થાપિત કરી હોવાની લાગણી ઉપસ્થિત સૌએ વ્યક્ત કરી હતી.
____________________________
અહેવાલ: મહેશ પી. મહેતા | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

0 Comments