કચ્છના અંદાજે 1500થી વધુ દવાના વેપારીઓ બંધમાં જોડાશે.
કચ્છ સહિત સમગ્ર દેશમાં ઓનલાઈન દવાઓના વધતા વેપાર સામે હવે પરંપરાગત કેમિસ્ટો અને દવાના વેપારીઓએ મોરચો ખોલ્યો છે. કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા 20 મે 2026ના રોજ એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેના પગલે કચ્છ જિલ્લાના અંદાજે 1500થી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાળમાં જોડાવાના છે. આ મુદ્દે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસોસિએશનના આગેવાનોએ ઓનલાઈન ઈ-ફાર્મસી વ્યવસ્થા સામે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.
વેપારીઓનું કહેવું છે કે, દવા કોઈ સામાન્ય વેપારની વસ્તુ નથી, પરંતુ તે સીધી માનવ જીવન અને દર્દીની સુરક્ષા સાથે સંકળાયેલો વિષય છે. ઓનલાઈન માધ્યમથી દવાઓના વેચાણમાં યોગ્ય નિયંત્રણ ન હોવાના કારણે અનેક પ્રકારના જોખમો ઉભા થઈ રહ્યા છે. એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરી દવાઓ મેળવવી, નકલી અથવા અપ્રમાણિત પ્રિસ્ક્રિપ્શન દ્વારા દવાઓ ખરીદવી, તેમજ એન્ટિબાયોટિક્સ અને નશીલી દવાઓ સરળતાથી ઉપલબ્ધ થવી જેવી પરિસ્થિતિઓ આરોગ્ય વ્યવસ્થાને જોખમમાં મૂકી રહી હોવાનું જણાવાયું હતું.
ખાસ કરીને Schedule H અને H1 હેઠળ આવતી દવાઓના અનિયંત્રિત વેચાણથી એન્ટી-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) જેવી ગંભીર સમસ્યા વધતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જો આ સ્થિતિ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં આરોગ્યક્ષેત્ર માટે ગંભીર પરિણામો આવી શકે છે.
પત્રકાર પરિષદમાં જણાવાયું કે, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દેશભરના આશરે 12.40 લાખથી વધુ કેમિસ્ટ્સ અને દવા વિતરકોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે આ સમગ્ર વ્યવસાય પર દેશના કરોડો લોકોની આજીવિકા આધારિત છે. સંસ્થાએ અનેક વખત કેન્દ્ર સરકાર, વડાપ્રધાન તેમજ સંબંધિત મંત્રાલયો સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે હવે રાષ્ટ્રવ્યાપી બંધનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું.
વેપારીઓએ મોટી કોર્પોરેટ કંપનીઓ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે, કેટલીક ઓનલાઈન કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ અને પ્રીડેટરી પ્રાઇસિંગ અપનાવી બજારમાં અસમાન સ્પર્ધા ઉભી કરવામાં આવી રહી છે. પરિણામે નાના અને મધ્યમ સ્તરના કેમિસ્ટોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે અને ભવિષ્યમાં આરોગ્ય સેવાઓ પર કોર્પોરેટ ઈજારાશાહી સર્જાઈ શકે છે.
આંદોલનકારીઓએ કેન્દ્ર સરકારને GSR 220(E) અને GSR 817(E) જેવી નોટિફિકેશનો તાત્કાલિક પરત ખેંચવાની માંગ પણ કરી છે. તેમનો આક્ષેપ છે કે, કોવિડ-19 દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં લાગુ કરાયેલા કેટલાક નિયમોનો હવે ગેરલાભ લેવામાં આવી રહ્યો છે અને તેના આધારે ઓનલાઈન દવાઓના વેચાણને બિનિયંત્રિત રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે.
આ પણ વાંચો...
કંડલા પોર્ટ માં 3 મજૂરોના મોત...
કચ્છના દવાના વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ લડત માત્ર વેપાર માટે નહીં પરંતુ જન આરોગ્યની સુરક્ષા માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણની કલમ 47 મુજબ જાહેર આરોગ્યની સુરક્ષા કરવી સરકારની જવાબદારી છે અને હાલની પરિસ્થિતિમાં કાયદાના અમલમાં ગંભીર ખામી દેખાઈ રહી છે.
20 મેના રોજ યોજાનાર બંધ દરમિયાન જિલ્લામાં મોટાભાગની મેડિકલ દુકાનો બંધ રહેશે, જોકે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને શહેરોમાં કેટલીક પસંદગીની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે, તેઓ સંવાદ દ્વારા ઉકેલ ઈચ્છે છે, પરંતુ જો સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન અને અનિશ્ચિતકાલીન બંધનો માર્ગ અપનાવવામાં આવી શકે છે.
______________________________
અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.




0 Comments