આરસેટી સંસ્થામાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારના તાલીમાર્થીઓના સમયનો બગાડ
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનો માટે આરસેટી ચલાવવામાં આવે છે. જ્યાં યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેના થકી સ્થાનિક યુવાનોને સ્વરોજગાર લક્ષી તાલીમ મળી રહે અને પોતાના પગભર થઈ પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. ગ્રામીણ વિસ્તારના 18 થી 45 વય જૂથના લોકો માટે ગુજરાતના દરેક જિલ્લામાં આરસેટી સંસ્થા ચાલુ કરવામાં આવી છે. જે અલગ અલગ વિસ્તારમાં લીડ બેંક મેનેજમેન્ટ કરતી હોય છે. ગ્રામીણ વિસ્તારના લોકોને વ્યવસાયલક્ષી તાલીમ સરળતાથી મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાંથી જે તે વ્યવસાયના માસ્ટરોને પ્રશિક્ષક તરીકેની નિમણૂક આપવામાં આવે છે. જેઓ ગુજરાતી હોવાથી ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનો સાથે સારી રીતે ભાષાકીય સંકલન સાધી તાલીમ આપવાનું કામ કરતા હોય છે. પરંતુ જે લીડ બેન્ક દ્વારા આરસેટી સંસ્થા ચલાવતી હોય છે. જેમાં મોટાભાગે ગુજરાત બહારના હિન્દી ભાસી ડાયરેક્ટરો આવતા હોય છે. આરસેટી સંસ્થામાં તાલીમનું આયોજન કરવામાં આવે ત્યારે આરસેટી સંસ્થાના ડાયરેક્ટરો જે મોટાભાગે ગુજરાતના ન હોઈ હિન્દી ભાષી હોય છે. અને તે પોતાના વિસ્તારના એટલે કે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર જેવા વિસ્તારના માસ્ટર ટ્રેનરોને ટ્રેનિંગ આપવા માટે બોલાવે છે. અહીં મોટી મુશ્કેલીનું સામનો કરવો પડે છે કારણ કે, ગ્રામીણ વિસ્તારના યુવાનો હિન્દી ભાષા જાણતા નથી અથવા ઓછી જાણતા હોય છે. જ્યારે રાજ્ય બહારના DST આવતા હોય છે એ બધું થિયરી લખાવવાનું અને પોતાના વિષય અંગે બોલવાનું અને શીખવવાનું હિન્દી ભાષામાં જ આગ્રહ રાખતા હોય છે, જેના કારણે સ્થાનિક તાલીમાર્થીઓની મહિનાની તાલીમ હિન્દી ભાષામાં થવાના કારણે ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનોને મોટાભાગે પોતાના વિષય અંગે પૂરતી માહિતી મળતી નથી. અને માત્ર સર્ટિફિકેટ લઈ અને એક મહિનાનો કિંમતી સમય બગાડીને ઘરે જતા રહેતા હોય છે.
આરસેટી સંસ્થાના ડાયરેક્ટરોની મનમાની
ગુજરાત રાજ્યના સ્ટેટ ડાયરેક્ટર તેમજ સ્ટેટ કંટ્રોલર દ્વારા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવતી હોય છે કે ગુજરાતના જ ડીએસટી ને તાલીમ આપવા માટે પરંતુ આરસેટી સંસ્થા ના ડાયરેક્ટરો પોતાની લાલિયા વાડી ચલાવી જેને મન ફાવે તેને ગુજરાત બહારથી DST ને બોલાવે છે. અને માત્ર કાગળ પર ટાર્ગેટ પૂરો કરવા માટેની કામગીરી કરતા હોય તે રીતનું વર્તન કરવામાં આવતું હોય છે. તેમજ સ્ટેટ ડાયરેકટર અને સ્ટેટ કંટ્રોલર ના આદેશોને ઘોડી ને પી જવાય છે.
આરસેટી સંસ્થા ચલાવવા માટે SOP માર્ગદર્શિકા મુજબ કોઈપણ DST ને ગુજરાતમાં આવવા જવાનું ભાડું ભથ્થું આપવાનું હોતું નથી. હવે જ્યારે ગુજરાત રાજ્ય બહારથી ડીએસટીને બોલાવવામાં આવે ત્યારે હિસાબોમાં ગરબડ ગોટાળા કરી અને અન્ય જગ્યાએ ખર્ચા બતાવી એડજેસ્ટમેન્ટ કરી અથવા કોઈ જ જરૂરત ન હોવા છતાં ટ્રેનિંગ એક્સટેન્ડ કરી વધારાના પૈસા ચૂકવી બહારના DSTને ભાડા ભથ્થા સહિતની રકમ ચૂકવવામાં આવે છે અને ધોરીધરાર SOP માર્ગદર્શિકાનો ઉલાળીયો કરવામાં આવે છે જે સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે.
ઘરના ઘંટી ચાટે અને અમલદારને આટો જેવો તાલ સર્જાયો છે
અત્યારે ગુજરાત ભરમાં આવેલી આરસેટીમાં અલગ અલગ તાલીમો ચાલી રહી છે તે તાલીમમાં ગુજરાત રાજ્ય બહારથી DST ને બોલાવીને તાલીમમાં શરૂ કરી દેવામાં આવી છે અથવા શરૂ થનારી છે. ત્યારે ગુજરાત રાજ્યના DST નવરાધૂપ બેઠા છે અને બહારના ટ્રેનરોને બંને હાથમાં લાડવા છે કારણ કે તેમને ભાડુંભથ્થું પણ મળે છે, અને કામ પણ મળે છે. જેના કારણે સ્થાનિક ગુજરાત રાજ્યમાં ડીએસટી તરીકે નોંધાયેલા માસ્ટર ટ્રેનરો માં નારાજગીરના સૂર ઉઠ્યા છે.
સ્ટેટ લેવલનો કોઈ કંટ્રોલ નહીં ?
RSETI સંસ્થા ઉપર ગુજરાત રાજ્યના સ્ટેટ લેવલનો કોઈ કંટ્રોલ ન હોવાનો ચિત્ર ઉપસી આવ્યો છે. કારણ કે, ગુજરાત રાજ્યના સ્ટેટ લેવલથી ગુજરાત રાજ્યની તમામ આરસેટી ને સ્પષ્ટપણે સૂચના આપવા છતાં સ્ટેટ લેવલની સૂચનાઓની અવગણના કરીને ધોરીધરાર ગુજરાત રાજ્ય બહારના ટ્રેનરોને બોલાવવામાં આવે છે. જેની જાણકારી હોવા છતાં સ્ટેટ લેવલ તરફથી કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિક ફેકલ્ટીની મિલી ભગત ?
ગુજરાત રાજ્યના નવરા ધૂપ બેઠેલા ડીએસટી વચ્ચે ગણગણાટ ચાલી રહ્યો છે કે, ગુજરાત બહારથી આવેલા DST દ્વારા સ્થાનિક ફેકલ્ટીને કોક ને કોક પ્રકારે ફાયદો કરાવતા હશે. માટે જ આગરા ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યમાંથી છેક ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી ટ્રેનીંગ આપવા માટે ડીએસટી આવતા હોય છે. જોવા જેવી વાત એ છે કે આ તમામ રાજ્યોમાં પણ આરસેટી સંસ્થા ચાલુ છે તો ત્યાં ટ્રેનિંગ નથી કે માત્ર કાગળ પર ટ્રેનિંગ ચલાવવામાં આવે છે? રાજ્ય બહારના ડીએસટી દ્વારા સ્થાનિક આરસેટી સંસ્થાના ફેકલ્ટીને શું ફાયદો કરાવી રહ્યા છે ? તે પણ એક તપાસનો વિષય છે.
ઓનલાઇન પ્લેટફોર્મ અને વાર્ષિક ટાઇમ ટેબલનો અભાવ
મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ MORD દ્વારા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરાયા છે પરંતુ આરસેટી સંસ્થા દ્વારા કોઈપણ ટાઈમ ટેબલ ફિક્સ કરવામાં આવતું નથી. આગામી વર્ષમાં કયા મહિનામાં કઈ તાલીમ યોજાશે તેનો સત્તાવાર ટાઈમ ટેબલ ક્યાંય જાહેર થતું નથી. અને ડાયરેક્ટરો પોતાની લાલિયાવાડી બેફામ ચલાવી રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ટાઇમ લાઈન જાહેર કરવામાં આવે અને સ્થાનિક ડીએસટીને પણ આ અંગે જાણ કરવામાં આવે તો લાલિયાવાળી અટકે તેમ છે. નહીંતર અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ન ટકે શેર ખાજા જેવો તાલ કાયમ ચાલુ રહેશે.
ડીએસટી દ્વારા કરાતી રજૂઆતો બેઅસર
ગુજરાત રાજ્યના ડીએસટી દ્વારા સ્ટેટ લેવલ સુધી આ અંગે અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આવી રજૂઆતોની કોઈ અસર થતી નથી. અને ડીએસટી ને ઈમેલ કરી પોતાની માર્કેટિગ કરવા માટે જણાવી દેવામાં આવે છે. વધુમાં એમ સંભળાવાય છે કે તમે માર્કેટિંગમાં કાચા પડો છો. પરંતુ હકીકત એ છે કે, સ્થાનિક ગુજરાતી ડીએસટી ક્યારે પણ માલસામાનના બિલ રજૂ કરવામાં કે અન્ય કોઈ જગ્યાએ હિસાબમાં ગરબડ ગોટાળા કરવા માટે જણાવતા નથી જેના કારણે કદાચ ગુજરાતી ટ્રેનરોને તાલીમ આપવા માટેની કામગીરી સોંપવામાં આવતી નથી.
જીલ્લા કલેક્ટરો ચેરમેન છતાં ટ્રેનરો અને તાલીમાર્થીઓ સાથે થતું ઘોર અન્યાય
ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના કલેકટરો આરસેટી સંસ્થાના ચેરમેન હોય છે. જેના તરફથી નિયમિત દેખરેખ અને નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો કોઈપણ જિલ્લાના કલેક્ટર દ્વારા આવી દેખરેખ થતી ન હોવાના કારણે સ્થાનિક ડાયરેકટરો પણ બેફામ રીતે લાલિયા વાડી ચલાવી રહ્યા છે. ખરેખર દરેક જિલ્લા કલેકટર અંગત રસ લઈ અને ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનો પગભર થાય તે દિશામાં પગલાં લે તો પણ લાલિયાવાડી અટકે તેમ છે.
ગુજરાત રાજ્યના સ્ટેટ ડાયરેક્ટર અને સ્ટેટ કંટ્રોલર દ્વારા માર્ગદર્શિકા અને માહિતી લેખિતમાં શેર કરી અને માર્ગદર્શિકાની અમલવારી કરાવવાની ભાન આરસેટી સંસ્થાના ડાયરેક્ટરોને કરાવવી જોઈએ. અને તે માર્ગદર્શિકાની નકલ જે તે જીલ્લા કલેક્ટરને કરવી જોઈએ. તેમજ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરનાર આરસેટી સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તો જ રાજ્યના ડીએસટીને ન્યાય મળે તેમ છે.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
મો.9664928653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments