સોલાર ઊર્જામાં ગુજરાતનો દબદબો: 12,150 મેગાવોટ ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ સ્થાન
ભારતમાં સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાત ફરી એકવાર આગેવાની પર આવ્યું છે. કેન્દ્ર સરકારની “સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ મંજૂર થયેલા સોલાર પાર્કોની ક્ષમતાના આધારે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં દેશભરમાં કુલ 54 સોલાર પાર્કોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સની કુલ સંયુક્ત વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે. તેમાં ગુજરાતમાં વિકસાવવામાં આવી રહેલા 7 સોલાર પાર્કની કુલ મંજૂર ક્ષમતા 12,150 મેગાવોટ છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા તથા ઊર્જા રાજ્યમંત્રી શ્રી શ્રીપાલ યેસો નાઈકે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશના સ્વચ્છ ઊર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સોલાર પાર્ક યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ” યોજના હેઠળ ગુજરાતમાં 7 સોલાર પાર્ક; કચ્છમાં સૌથી મોટા પ્રોજેક્ટ્સ વિકસિત
રાજસ્થાન બીજા ક્રમે
સોલાર ઊર્જા વિકાસમાં ગુજરાત પછી રાજસ્થાન બીજા ક્રમે છે. રાજસ્થાનમાં કુલ 11 સોલાર પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે, જેની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 10,726 મેગાવોટ છે. દેશભરમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે આ બંને રાજ્યો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
કચ્છમાં સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ્સ
ગુજરાતના સોલાર પાર્કોમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ્સ કચ્છ જિલ્લામાં વિકસાવવામાં આવી રહ્યા છે. અહીંના વિશાળ ખુલ્લા વિસ્તારો અને અનુકૂળ હવામાનને કારણે સોલાર ઊર્જા ઉત્પાદન માટે યોગ્ય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.
કચ્છ જિલ્લામાં NTPC અને GSECL સહિતના મોટા સોલાર પાર્કો વિકસાવવામાં આવી રહ્યા છે, જે રાજ્યના કુલ સોલાર ઉત્પાદનનો મોટો હિસ્સો પૂરું પાડશે. ઉપરાંત GIPCL દ્વારા વિવિધ તબક્કામાં સોલાર પાર્કોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતના સોલાર પાર્કોની વિગતો
ગુજરાતમાં મંજૂર થયેલા મુખ્ય સોલાર પાર્કોમાં બનાસકાંઠાના રાધાનેસડા સોલાર પાર્ક, અમદાવાદ જિલ્લાના ધોલેરા સોલાર પાર્ક તેમજ કચ્છ જિલ્લાના NTPC RE પાર્ક, GSECL RE પાર્ક અને GIPCLના ત્રણ તબક્કાના સોલાર પાર્કોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી ગુજરાતમાં સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
અમલીકરણમાં પડકારો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સોલાર પાર્કોના વિકાસ દરમિયાન કેટલાક પડકારો પણ સામે આવે છે. તેમાં ખાસ કરીને
- પ્રોજેક્ટ માટે જમીન સંપાદન
- ટ્રાન્સમિશન લાઈન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
- પ્રોજેક્ટ સમયરેખા અને નીતિગત પ્રક્રિયાઓમાં તાલમેલ
- વીજળીના ટેરિફ મંજૂરીમાં થતો વિલંબ
- જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ પડકારોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સંસ્થાઓ સાથે સતત સંકલન રાખી રહી છે. નિયમિત બેઠક અને ચર્ચાઓ દ્વારા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્વચ્છ ઊર્જા તરફ દેશનો મોટો પગલું
સોલાર પાર્ક યોજનાના માધ્યમથી દેશભરમાં મોટા પાયે સોલાર ઊર્જા ઉત્પાદન સુવિધાઓ ઉભી થઈ રહી છે. ગુજરાત જેવા રાજ્યોની આગેવાનીને કારણે ભારતના નવીનીકરણીય ઊર્જા લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે.
વિશેષજ્ઞોના મતે, આવનારા વર્ષોમાં સોલાર ઊર્જા ક્ષેત્રે વધુ રોકાણ અને ટેક્નોલોજી વિકાસ થવાથી ભારત ઊર્જા સ્વાવલંબન તરફ વધુ મજબૂત રીતે આગળ વધશે.
અહેવાલ: રોહિત પઢિયાર, ભુજ
મો.966 492 8653
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.



0 Comments