દાદા દાદીનો વિસામો હવે મરણ પથારીએ, કોણ સાંભળશે વડીલોની વેદના?

Live Viewer's is = People

દાદા દાદી પાર્કની તસવીર 



ભુજનો વિસરાયેલો નજરબાગ

ભુજમાં આવેલા હમીરસર તળાવને કાંઠે વર્ષો પહેલા એક નાનકડું બગીચો હતો. જે નજરબાગ તરીકે ઓળખાતો હતો.જ્યાં લગભગ દરરોજ સાંજે પ્રોજેક્ટર પર ફિલ્મ બતાવાતી હતી. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની સામે અને રામધૂન ની બાજુમાં આ બગીચો નજરબાગ આવેલો છે. જે તે સમયે આ નાનકડા નજરબાગની રોનક કાંઈક અલગ જ હતી. અને નજરબાગ યુવાવસ્થામાં થનગનાટ કરતું હતુ. 



કેમ બન્યું આ દાદા - દાદી પાર્ક?

સમગ્ર કચ્છમાં વર્ષ -૨૦૦૧ માં ભયાનક ભૂકંપ આવ્યો. અને કચ્છના તારાજી સર્જાઈ. કચ્છના પાટનગર ભુજમાં પણ ભયાનક ભૂકંપે વિનાશ વેર્યો હતો. ભુજની ખુશહાલી માતમ માં ફેરવાઈ ગઈ. ઠેકઠકાણે કાટમાળના ઢગલા દેખાયા. ત્યારબાદ કચ્છ ધીમે ધીમે બેઠું થવા લાગ્યું. ઠેર ઠેર નવનિર્માણની શરૂઆત થઈ. સમાયજતા તંત્રને નજરબાગનો વિકાસ દેખાયો. અને કાચ્છમાં આવેલી સાંઘી સિમેન્ટ નામના એકમને આ નજરબાગ સુપ્રત કરવામાં આવ્યું. સાંઘી સિમેન્ટ દ્વારા નજરબાગની કાયાપલટ કરી નાખી.અને કાળક્રમે ભુજનો યુવા નજરબાગ દાદા દાદી પાર્કમાં ફેરવાઈ ગયો. વયોવૃદ્ધ નાગરિકો માટે દાદા દાદી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યાં સિનિયર સિટીઝન નાગરિકો માટે જ પ્રવેશ આપવામાં આવતો હતો.



દાદા - દાદી પાર્ક કેવું હતું?

ભુજમાં આવેલું દાદા દાદી પાર્ક સાંઘી સિમેન્ટ દ્વારા વર્ષ 2005 માં બનાવવામાં આવ્યું હતું. જ્યાં માત્ર સિનિયર સિટીઝન નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો હતો. સાંઘી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભરપૂર પ્રમાણમાં સગવળતાઓ અપાઈ. દાદા દાદી પાર્કમાં ફરવા આવતા લોકો માટે સવારે ચા દૂધ, અને નાસ્તો ની:શુલ્ક પીરસવામાં આવતો હતો. અને વાંચન માટે તમામ વર્તમાનપત્રો પણ આપવામાં આવતા હતા. પીવાના ઠંડા પાણી માટે વોટર કૂલર રખાયું હતું. તેમજ અત્યાધુનિક સગવડો સાથે સૌચલાયનું નિર્માણ પણ થયું. નજરબાગ વૃદ્ધ થયું પણ નવા જોશ અને ઉત્સાહ સાથે. ભુજના સિનિયર સિટીઝન નાગરિકો દિવસમાં બે સમય અહીં ફરવા આવતા. લગભગ તમામ બાંકડાઓ ભરાઈ જતાં અને નાગરિકો લીલા ઘાસની ચાદર પર બેસી અલક મલકની વાતો કરતા. અને એકબીજાના સુખ દુ:ખમાં સહભાગી થઈ સંત્વનાની આપ-લે થતી હતી. સિનિયર સિટીઝન નાગરિકોના શરીરમાં નવો પ્રાણ ફૂંકાયો અને ઘરના કોઈ વ્યથા ન સાંભળે તો અહીં આવી દુ:ખ હલકું થતું હતું.અને દરેક ડોસલાના ચહેરા અનોખી સ્મિતથી મલકાતા હતા.



દાદા-દાદી પાર્ક પણ કાળક્રમે મરણ પથારીએ? 

આ પાર્કની હાલત આરંભે સુરા જેવી થઈ. શરૂ શરૂમાં દાદા દાદી પાર્કની દેખરેખ સારી રહેતી હતી તેમજ સિનિયર સિટીઝન નાગરિકોને સવારે દૂધ અને નાસ્તો પણ આપવામાં આવતો હતો.અને વાંચન માટે ન્યૂઝપેપરો આવતા હતા. અત્યારે હાલત દયનીય છે. બાંકડા તૂટી ગયા છે. તોફાની તત્વો લાઈટો કાઢી ગયા છે. લીલા ઘાસની ચાદર હવે સ્વપ્ન જેવી લાગે છે. છાપા અને નાસ્તા ભૂતકાળ બની ગયા છે. સૌચલાય સાફ થતું જ નથી. જેના કારણે આખા પાર્કમાં મળમૂત્રની દુર્ગંધ ફેલાય છે. દાદા દાદી પાર્કમાં આવતા સાંધ્ય દીપ સંસ્થાની ખુરશીઓ ચોરાવાઈ ગઈ છે. ચા નાસ્તાની વાત તો દૂર રહી પણ ઠંડા પાણીનો વોટર કૂલર પણ ભંગાર થઈ ગયો છે. પાર્કની ફરતે રેંકડી ધારકો દ્વારા ભરપૂર દબાણ કરાયું છે. મુખ્ય દરવાજા પાસે શરબત વાળા અને શેરડી વાળાએ અડિંગો જમાવીને પોતાનો માલ સામાન ખડકી દેવાયો છે.ગેટમાંથી અવર-જવર થઈ શકતી નથી વાહન પાર્કિંગની જે વ્યવસ્થા હોય ત્યાં નાના-મોટા ધંધાર્થીઓ એ પોતાની રેકડીઓ મૂકી દબાણ કરી લીધું છે દાદા દાદી પાર્કને ફરતે નગરપાલિકા દ્વારા લોખંડના બાંકડા બેઠક માટે મૂકવામાં આવ્યા હતા જે આ દબાણ કરનાર રેકડી વાળાઓ પોતાના ગ્રાહકની આગતા સ્વાગતા માટે વાપરી રહ્યા છે અને ગેટની એક બાજુ શેરડીનો સંચો અને બીજી બાજુ ઠંડા પીણા ની લારી ખડકી દઈ વધારાનો સામાન ગેટ પાસે વચોવચ મૂકી દીધો છે.આજે ગમે તે વ્યક્તિ અંદર આવે સૌચાલયમાં ગંદકી કરી અને જતો રહે કોઈ પૂછનારું નથી. એટલું ઓછું હોતા દાદા દાદી પાર્ક ની અંદર લાઈટ પણ કાઢી ગયા છે જ્યાં સાંજે અંધારું થતાં લાઈટ ના અભાવે વડીલોને ફરજિયાત ઘર ભેગા થવું પડે છે.આ બધા કારણોએ ડોસલાઓ ના ચહેરાની મલકાતી સ્મિત છીનવી લીધી. અને ગણ્યા ગાંઠ્યા ડોસલાઓ અહીં આવે છે



કોઈએ રજૂઆત કરી કે કેમ?

દાદા દાદી પાર્કની આ હાલત અંગે વયોવૃદ્ધ નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે. પણ કોઈ ધ્યાન અપાતું નથી માત્ર આશ્વાસન અપાય છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રખ રખાવ થતો નથી અને કબ્જો છોડતો નથી. બીજીબાજુ નગર પાલિકાનો સંપર્ક કરતા જાણવા મળેલ કે, આ પાર્ક તેમના કબજામાં નથી. માટે ખર્ચ કરી શકાય તેમ નથી. ત્યારે ભાડા કચેરી દ્વારા પણ કોઈ સ્પષ્ટીકરણ થતું નથી.સંધ્યદીપ સંસ્થાના કૃષ્ણકાંત ભાટિયાએ જણાવ્યું કે, હાલ આ પાર્ક મરણ પથારીએ છે, બધે જ રજૂઆત કરવામાં આવી પણ આશ્વાશન સિવાય કશું મળતું નથી. કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવે તો બુઢ્ઢાપો હસતા હસતા પસાર થાય અને લોકો ફરી એકત્ર થાય. ત્યારે હાસ્ય ક્લબના જગદીશ ગોર "શરમાળ" જે હાસ્ય ક્લબ ચલાવે છે તેમણે પણ આ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અને જાયે તો જાયે કહાં? જીના યહાં મરના યહાં, ઇસ્કે સિવા જાના કહાં? જેવી ગીતોની કડીઓ ગાઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું.



ભુજ નગરપાલિકાએ શું કર્યું?

ભુજ નગરપાલિકા દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, અત્યારે આ પાર્ક તેમના કબજામાં નથી, માટે કશું કરી શકતા નથી, અને આ અંગે પત્ર વ્યવહાર ચાલુમાં છે એમ કહી હાથ ઊંચા કરી દીધા છે. મોટા ઉપાડે દબાણ હટાવવાની કામગીરીના બાંગણા ફૂંકતી પાલિકાના દબાણ હટાવવાના કર્મચારીઓને દાદા દાદી પાર્કના મુખ્ય દરવાજા સામે ખડકાયેલા દબાણો દેખાતા નથી. સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે, જ્યાં મલાઈ પીરસાતી હોય ત્યાં દબાણો હટાવવાની કામગીરી થતી નથી. અને જો બતાવવા પૂરતી કામગીરી થાય તો પણ બે ત્રણ દિવસ બાદ પાછા જૈસે થે તેમ રેકાડીઓ ખડકી દેવામાં આવે છે.



અહેવાલ : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ 

મો. 966 492 8653


ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.


ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close