કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૦માં ૨૪ શિક્ષકો સન્માનિત કરાયા

Live Viewer's is = People

 

કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૦માં ૨૪ શિક્ષકો સન્માનિત



શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે કચ્છ જિલ્લાના ૨૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૦ અર્પણ કરવામાં આવ્યો. તાલુકા કક્ષાના ૨૦ અને જિલ્લાકક્ષાના ચાર થઇ કુલ ૨૪ શિક્ષકોને સન્માનપત્ર, શાલ, પુરસ્કૃત રકમથી સન્માનિત કરાયા હતા.



શિક્ષકોને સન્માનવાની ગૌરવક્ષણે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સર્વશ્રેષ્ઠ સમાજ નિર્માણ ગુરૂજનોની તાકાત છે. શિક્ષણ અને કેળવણીના માધ્યમથી અનેક લોકોના જીવનને ઉજાસ તરફ લઇ જનારા શિક્ષકોને સન્માનિત કરી સમાજ ગૌરવ અનુભવે છે.



સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકને સન્માનવા એ સમાજનું અહોભાગ્ય છે. સરકારથી માંડી સામાન્ય જન સુધી દરેક વ્યકિતથી આદર મેળવનાર ગુરૂજનોના ચરણસ્પર્શનો આ દિવસ સૌ માટે પ્રેરક છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેનને આ તકે યાદ કરી સમગ્ર શિક્ષક સમાજનો મંત્રીશ્રીએ આભાર માન્યો હતો.


સમાજ પ્રત્યે શિક્ષકોનું દાયિત્વ વિશેષ- સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા


રાજયમંત્રીશ્રીએ પોતાના શાળાજીવનના સંસ્મરણો રજુ કરતા પોતાના શિક્ષકો બી.સી.અંજારીયા, પંડયા સાહેબ, ગોપાલ સાહેબને યાદ કરી અગવડો વચ્ચે સમાજ નિર્માણ કરતા શિક્ષકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષકને સન્માનવા એ સમાજનું અહોભાગ્ય છે - રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર


કચ્છ જિલ્લામાં આ વર્ષે રાજય સરકાર દ્વારા ૧૮૨ શાળાઓ મંજુર થઇ છે. તેમજ પાડતી શિક્ષણમાં પાયાની સુવિધાઓ પુરી વિગતો પણ મંત્રીશ્રીએ આ તકે રજુ કરી હતી. શાળા બંધ હતી, શિક્ષણ નહીં જેમાં શિક્ષકોનું પણ મોટું યોગદાન રહયું છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યે શિક્ષકોનું દાયિત્વ વિશેષ હોય છે. જે દરેક શિક્ષકો પુરી નિષ્ઠાથી નિભાવતાં હોય છે. સરકારશ્રી દ્વારા છેવાડાના ગામ સુધી બાળકોને શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો રજુ કરતાં સાંસદશ્રીએ પોતે બે વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી હોવાનું ગૌરવ અને આનંદ વ્યકત કર્યા હતા. તેમણે કચ્છ જિલ્લામાં થઇ રહેલા શિક્ષણ કાર્ય માટે તમામ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.




જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એન.પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કરતા કચ્છ જિલ્લા શિક્ષણ જગતથી સૌને માહિતગાર કર્યા હતા.જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીશ્રી જે.પી.પ્રજાપતિએ આભારવિધિમાં કચ્છ જિલ્લાની શિક્ષણ સિધ્ધિઓ રજુ કરતાં આ તકે આનંદ વ્યકત કર્યો હતો કે રાજયસ્તરે આજે કચ્છના ચાર શિક્ષકો મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માનિત થશે. જેમાં અશોકભાઇ પરમાર-ભુજ, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હિમાંશુ સોમપુરા-માધાપર (ભુજ), ગાંધીધામથી પ્રજ્ઞેશભાઇ દવે અને માંડવીના મોહનભાઇ દવેનો સમાવેશ થાય છે. આ શિક્ષકોને શાલ પ્રશસ્તિપત્ર અને રૂ.૫૧ હજાર રોકડા આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે સન્માનિત ૨૪ શિક્ષકોનો એનાયત પરિચય આપ્યો હતો.



આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી છાયાબેન ગઢવી, ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, અગ્રણીશ્રી ત્રિકમભાઇ છાંગા, શિક્ષણવિદશ્રી દર્શનાબેન ધોળકીયા, પંકિતબેન શાહ, ભુજ ડાયેટ પ્રાચાર્ય હસમુખભાઇ ગોર તેમજ જિલ્લા શિક્ષણ જગતના શિક્ષકવિદો પદાધિકારીઓ, અધિકારીઓ અને સન્માનિત શિક્ષકો, કોરોના કોવીડ ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહયા હતા.



Post a Comment

0 Comments

close