ગુજરાતમાં ફૂટબૉલ ક્રાંતિનો સમય: યુવા શક્તિને નવી દિશા આપવાની જરૂર

Live Viewer's is = People

વિશ્વ ફૂટબોલ દિવસ, મે 25, 2026 નિમિત્તે વિશેષ

 

The News Times

ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત જેવા રાજ્યોમાં ફૂટબૉલને હજુ પણ જરૂરી પ્રોત્સાહન મળવાનું બાકી છે.

ગુજરાત ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક વિચારધારાવાળા લોકોની ધરતી છે. તે તેના ઉદ્યોગસાહસિક સ્વભાવ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સશક્ત રમતગમત સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશન (જી.એસ.એફ.એ.), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસ.એ.જી.), કેટલીક ફૂટબૉલ ક્લબો અને અકેડેમીઓ તથા થોડા ઉદ્યોગસાહસિકોના ધરખમ પ્રયત્નો છતાં રાજ્યમાં ફૂટબૉલ હજુ પણ પાછળ છે. ક્રિકેટની જેમ ફૂટબૉલ પણ વૈશ્વિક સ્તરે અબજો ડોલરનો ઉદ્યોગ છે. રાજ્યમાં ફૂટબૉલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂર છે. આથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઉભી થઈ શકે છે.

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર

-પરિમલ નથવાણી

ગ્રાસરૂટ સ્તરે ફૂટબૉલને વ્યવસ્થિત રીતે વિકસાવવાની જરૂર છે. ગુજરાતની શાળાઓ અને કોલેજો ઘણીવાર ક્રિકેટને પ્રાથમિકતા આપે છે, જેના કારણે ફૂટબૉલ માટે માળખાકીય સુવિધાઓ અને કોચિંગનો અભાવ રહે છે. સુવ્યવસ્થિત આંતર-શાળા લીગ, પ્રમાણિત કોચિંગ પ્રોગ્રામ અને સરળતાથી ઉપલબ્ધ મેદાનો ફૂટબોલમાં ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારી શકે છે. જી.એસ.એફ.એ. દ્વારા આ દિશામાં પગલાં લેવાયાં છે, પરંતુ તેની વ્યાપકતા અને સાતત્ય વધારવાની જરૂર છે.

અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરી કેન્દ્રોમાં રિક્રિએશનલ ફૂટબૉલ સંસ્કૃતિમાં વધારો જોવા મળ્યો છે—ટર્ફ ગ્રાઉન્ડ્સ, એમેચ્યોર લીગ્સ અને વીકએન્ડ ટૂર્નામેન્ટ્સ. આ સકારાત્મક સંકેત છે. પરંતુ ગ્રાસરૂટથી વ્યાવસાયિક સ્તર સુધીનો સ્પષ્ટ માર્ગ ન હોવાને કારણે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ અજાણ્યા રહી જાય છે. ગુજરાતમાં રાષ્ટ્રીય ફૂટબોલ સર્કિટમાં મજબૂત હાજરીનો અભાવ છે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણા અને ઓળખ બંનેને મર્યાદિત કરે છે.

ફૂટબૉલ ક્ષેત્રે રોકાણ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. કોર્પોરેટ સ્પોન્સરશિપ્સ અને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. જેમ ગુજરાતના ઉદ્યોગોએ ઔદ્યોગિક વિકાસને ગતિ આપી છે, તેમ તેઓ જી.એસ.એફ.એ.ના માળખામાં વિવિધ વય જૂથો માટે પુરુષો અને મહિલાઓના ટૂર્નામેન્ટ્સને સ્પોન્સર કરીને રમતના વિકાસમાં યોગદાન આપી શકે છે. આથી રાજ્ય સ્તરની ટીમો અને ક્લબોને રાષ્ટ્રીય સ્તરે નિયમિત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે અને પ્રતિભાઓ તેમજ ચાહકો બન્નેને તેનો લાભ મળશે.

આ પણ વાંચો....
ભુજ થી દિલ્હીની સીધી સફર હવે શક્ય

તે જ રીતે, ચાહક સંસ્કૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ફૂટબૉલ ચાહક સમુદાયની ઊર્જા પર જીવંત રહે છે. સ્થાનિક ક્લબોને પ્રોત્સાહન આપવું, શહેર આધારિત લીગ મેચોનું આયોજન કરવું અને એક્ઝિબિશન મેચો યોજવી—આ બધાથી મજબૂત ચાહક વર્ગ વિકસાવી શકાય છે. અંગ્રેજી પ્રીમિયર લીગ જેવી વૈશ્વિક લીગના પ્રસારણ દ્વારા યુવાનોમાં રસ વધે છે. પડકાર એ છે કે આ સુષુપ્ત દર્શકોને સક્રિય ભાગીદારીમાં પરિવર્તિત કરવા.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારનો ટેકો અને સહકાર પ્રેરક બળ તરીકે કામ કરી શકે છે. ફૂટબૉલ મેદાનો માટે જમીન ફાળવતી નીતિઓ, શિક્ષણમાં રમતગમતનો સમાવેશ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતી નીતિઓ વિકાસને તેજ કરી શકે છે. ફૂટબૉલ માત્ર રમત નથી; તે ફિટનેસ, શિસ્ત, ટીમવર્ક અને સામાજિક એકતાનું સાધન છે.

ગુજરાત પાસે યુવા શક્તિ, સંસાધનો અને મહત્ત્વાકાંક્ષા બધું જ છે. હવે તેને દિશા અને પ્રતિબદ્ધતાની જરૂર છે. સંસ્થાઓ, ઉદ્યોગો અને સમુદાયોના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતમાં ફૂટબૉલ એક ગૌણ પ્રવૃત્તિમાંથી મુખ્ય પ્રવાહની રમતમાં પરિવર્તિત થઈ શકે છે. તક હકીકતમાં છે, હવે તે તક ઝડપવાનું કાર્ય કરવાની જરૂર છે.

(રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ છે.

______________________________
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.


Post a Comment

0 Comments

close