નવાવાસ માનકુવા સ્વામિનારાયણ મંદિરે અમૃત પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે પાંચ દિવસીય વિશ્વશાંતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ

Live Viewer's is = People

નવાવાસ માનકુવા સ્વામિનારાયણ મંદિરે અમૃત પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે પાંચ દિવસીય વિશ્વશાંતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ

The News Times


કચ્છ જિલ્લાના માનકુવા નજીક આવેલ નવાવાસ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરે પોતાના સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે અમૃત પ્રતિષ્ઠા પર્વ અંતર્ગત ભવ્ય વિશ્વશાંતિ મહોત્સવ યોજવાનો નિર્ધાર કર્યો છે. આગામી તા. ૧ મે થી ૫ મે ૨૦૨૬ સુધી પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવને લઈ સમગ્ર કચ્છ સહિત દેશ-વિદેશના હરિભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પવિત્ર અધ્યક્ષસ્થાને ઉજવાતા આ મહોત્સવમાં ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને વિશ્વશાંતિનો અનોખો સંગમ સર્જાવાનો છે. મંદિરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે, મંદિરના અમૃતવર્ષ નિમિત્તે વિશેષ ધાર્મિક પારાયણો, ભક્તિમય સભાઓ અને અનેક ભવ્ય કાર્યક્રમોની આયોજનબદ્ધ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

The News Times


મહોત્સવ દરમિયાન રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથનું પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથનું પઠન તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાણીઓની સમૂહ પારાયણ યોજાશે. સાથે જ વિશ્વશાંતિ માટે વિશાળ નગરયાત્રા, રજત તુલા મહોત્સવ, દિવ્ય આશિર્વાદ સમારોહ, વિશેષ આરતી, અન્નકૂટ દર્શન અને ભવ્ય રાસોત્સવ જેવા કાર્યક્રમો હરિભક્તોને અધ્યાત્મિક ઊર્જાથી સભર બનાવશે.


માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ રાત્રિના સાંસ્કૃતિક સત્રોમાં ભક્તિસંગીત, પરંપરાગત અને આધ્યાત્મિક નૃત્યાવલીઓ, મહિલા ઉત્કર્ષ શિબિર, યુવાનો માટે પ્રેરણાત્મક કાર્યક્રમો તથા સંસ્કારસભર ધાર્મિક પ્રસ્તુતિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે મહોત્સવ ભક્તિ સાથે સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર બની રહેશે.


તાજેતરમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતવૃંદ સાથે કચ્છ વિસ્તારમાં સત્સંગ વિચરણ માટે પધાર્યા હતા, જ્યાં તેમનું વિવિધ સ્થળોએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે નારણપર મંદિરનો ૬૯મો પાટોત્સવ, માધાપર મંદિરનો ૭૭મો પાટોત્સવ અને સુખપર મંદિરનો ૧૨મો પાટોત્સવ પણ ધામધૂમથી ઉજવાયા હતા. આ સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકાર્યો માટે દાન અર્પણ કરી સંસ્થાએ સમાજજીવનમાં સેવા અને સંસ્કારનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો.


નવાવાસ માનકુવા ખાતે યોજાનારા આ વિશ્વશાંતિ મહોત્સવમાં હજારો હરિભક્તો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ, સંતવૃંદ, સેવકગણ અને સ્થાનિક હરિભક્તો દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સમગ્ર પરિસર ભક્તિમય શણગારથી સજ્જ બની રહ્યું છે અને કચ્છમાં આ મહોત્સવ આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.


આ પાંચ દિવસ દરમિયાન નવાવાસ માનકુવા ધર્મ, ભક્તિ, સંસ્કાર અને વિશ્વકલ્યાણના સંદેશથી ગુંજી ઊઠશે અને અમૃત પ્રતિષ્ઠા પર્વનો આ અવસર કચ્છના ધાર્મિક ઇતિહાસમાં યાદગાર પાનાં ઉમેરશે.


અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close