તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ચાડવા રખાલે ગુંજ્યો જય મહામાયા… કચ્છ રાજવી પરંપરાના પાવન સાનિધ્યમાં મહામાયાધામનો ચતુર્થ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સહસ્ત્ર ચંડીપાઠ, વૈદિક હવન અને હજારો ભક્તોની ઉપસ્થિતિએ મંદિરધામ બન્યું ભક્તિ, શ્રદ્ધા અને શક્તિનો અનોખો સંગમ

The News Times


કચ્છની રાજવી આસ્થા, જાડેજા વંશની અધ્યાત્મિક પરંપરા અને માતૃશક્તિ પ્રત્યેની અખંડ ભક્તિને જીવંત કરતો એક દિવ્ય પ્રસંગ મંગળવારે વૈશાખ સુદ બારસે ચાડવા રખાલ સ્થિત મહામાયાધામ ખાતે જોવા મળ્યો, જ્યાં મા મહામાયા (મોમાઈ મા)ના ચતુર્થ પાટોત્સવની ઉજવણી ધામધૂમ, વૈદિક મંત્રોચ્ચાર અને સહસ્ત્રો ભક્તોની હાજરી વચ્ચે અત્યંત ભવ્યતા સાથે કરવામાં આવી.

કચ્છના અંતિમ મહારાઓશ્રી સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાએ જાડેજા કુળદેવી પ્રત્યેની ગાઢ શ્રદ્ધાથી સામત્રા નજીક આવેલા ઐતિહાસિક ચાડવા રખાલમાં આ ભવ્ય શક્તિધામની કલ્પના સાકાર કરી હતી. રાજવી સંકલ્પરૂપે શરૂ કરાયેલ આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પરંતુ કચ્છના રાજવી સંસ્કાર, કુળઆસ્થા અને માતૃશક્તિના અવિનાશી પ્રતિક તરીકે આજે ઉભું છે.

The News Times


મહારાઓશ્રીના અવસાન બાદ આ પવિત્ર કાર્યને રાજમાતા મહારાણીશ્રી પ્રિતીદેવીબા સાહેબના આશીર્વાદ અને માર્ગદર્શનથી પૂર્ણતા અપાઈ હતી. વર્ષ ૨૦૨૨માં વૈશાખ સુદ બારસના શુભ દિવસે મા મહામાયા સાથે મા ત્રિપુરાસુંદરી, મા કાળિકા, મા રુદ્રાણી, મા હિંગલાજ તેમજ ૫૧ શક્તિપીઠોની વૈદિક પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી, ત્યારથી આ ધામ કચ્છ સહિત દેશ-વિદેશના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં હજારો શ્રદ્ધાળુઓએ અહીં આવીને માતાજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો છે. 


આ વર્ષે ચતુર્થ પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરપરિસરમાં ઘંટનાદ, શંખધ્વનિ અને જયકારાઓની ગૂંજ સાથે વિશેષ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે સહસ્ત્ર ચંડીપાઠનું પાઠન કરવામાં આવ્યું અને બાદમાં વિશાળ યજ્ઞકુંડમાં હવન યોજાયો, જેમાં સહસ્ત્રાધિક ભક્તોએ આહુતિ આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા. સમગ્ર વાતાવરણ ‘જય મહામાયા’, ‘જય મોમાઈ મા’ના નાદોથી ભક્તિમય બની ગયું હતું.

The News Times


મહારાણીશ્રી પ્રિતીદેવીબા સાહેબની સૂચના અને રાજવી આશિષ હેઠળ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહજી, તેરા ઠાકોરશ્રી મયુર્ધ્વજસિંહજી, દેવપર ઠાકોરશ્રી કૃતાર્થસિંહજી, શ્રી વિજેશભાઈ પુંજા તથા શ્રી ચિંતનભાઈ ઠક્કર સહપરિવાર હવનવિધિમાં યજમાનપદે જોડાયા હતા. રાજવી પરંપરા સાથે લોકઆસ્થાનું આ સુમેળ ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

The News Times


આ પ્રસંગે ભુજ આશાપુરા મંદિરના શ્રી જનાર્દનભાઈ દવે, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ રાજપુત સમાજના પૂર્વ અધ્યક્ષ શ્રી જોરાવરસિંહ રાઠોડ, શ્રી બળવંતસિંહ જાડેજા, જેહાનભાઈ ભુજવાલા, કચ્છ કરણીસેના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ જાડેજા, આર.એસ.એસ.ના સહસંચાલક શ્રી હિમતસિંહ વસણ સહિત કચ્છભરના અનેક ક્ષત્રિય-રાજપૂત આગેવાનો, ભાયાતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, અંજાર, અબડાસા, ભચાઉ અને અન્ય વિસ્તારોમાંથી ઉમટેલા ભક્તસમુદાયે મંદિરધામને એક વિશાળ શક્તિભક્તિના મેળામાં પરિવર્તિત કરી દીધું.

શાસ્ત્રોક્ત હવનાદિ વિધિનું સંચાલન શાસ્ત્રી શ્રી તેજસભાઈ જોષીના વૈદિક માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. જ્યારે ભુજ દરબારગઢ પ્રાગમહેલ અને રણજીતવિલાના કર્મચારીઓએ સમગ્ર આયોજન, ભક્તવ્યવસ્થા, પ્રસાદ વિતરણ અને સુરક્ષા વ્યવસ્થાને સુચારુ રાખી પ્રસંગને સફળતા અપાવી હતી.

દિવસભર ભક્તો માટે દર્શન, માતાજીના વિશેષ શૃંગાર, આરતી, પ્રસાદ અને આશીર્વાદના કાર્યક્રમો યોજાતા રહ્યા. મંદિર પરિસરમાં સર્વત્ર ધ્વજ, ફૂલસજ્જા, દીપ શોભા અને યજ્ઞસુગંધના માહોલે એક દિવ્ય આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવ્યો હતો. ઉપસ્થિત ભક્તોએ આ પ્રસંગને “કચ્છની રાજવી આસ્થા અને શક્તિ ઉપાસનાનું જીવંત પ્રતિક” ગણાવ્યો.

ચાડવા રખાલના આ શક્તિધામે ફરી એકવાર સાબિત કર્યું કે કચ્છની ધરા પર રાજવી સંસ્કૃતિ માત્ર ઇતિહાસ નથી, પરંતુ આજે પણ જીવંત પરંપરા બનીને ભક્તહૃદયમાં ધબકે છે. 

અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ