"ધ્રુજેલી ધરતીથી દૃઢ સંકલ્પ સુધી: ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના કચ્છ ભૂકંપની કરૂણ યાદો અને વિકાસની અદમ્ય ગાથા”
વિનાશ પછી પણ વિકાસ શક્ય છે, જો હિંમત અને એકતા જીવંત હોય.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ — દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો. દેશભરમાં તિરંગો લહેરાતો હતો, દેશભક્તિના નારા ગૂંજતા હતા. પરંતુ એ જ સવાર કચ્છ માટે ક્યારેય ના ભૂલાય એવી કાળરાત બની ગઈ. સવારે આશરે ૮:૪૫ વાગ્યે ધરતી એવી ધ્રુજી ઉઠી કે કચ્છની કિસ્મત જ હચમચી ગઈ. થોડી જ ક્ષણોમાં હસતા-રમતા શહેરો અને ગામડાં ચીસો, રડારડી અને કાટમાળમાં ફેરવાઈ ગયા.
ભુજ, ભચાઉ અને અંજાર ભૂકંપની સૌથી ભયાનક ઝપેટમાં આવ્યા. બહુમાળી ઈમારતો પત્તાની ગડ્ડી જેમ ધરાશાયી થઈ ગઈ. ક્યાંક તો બે-બે માળ જમીનમાં સમાઈ ગયા. હજારો ઘરો પળવારમાં ખંડેર બની ગયા. જીવંત શહેરો મલબાના ઢગલામાં ફેરવાઈ ગયા. રસ્તાઓ પર ધૂળના ગોટેગોટા અને લોકોના હાહાકાર ગુંજી ઉઠ્યા.
આફતે માત્ર ઈમારતો નથી તોડ્યાં, પરિવાર તોડી નાખ્યાં. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ દીકરી, કોઈએ માતાપિતા તો કોઈએ જીવનસાથી. કેટલાય લોકો કલાકો સુધી કાટમાળ નીચે દબાયેલા રહ્યા — આશા અને નિરાશા વચ્ચે ઝૂલતા. બચાવદળો માટે પણ પરિસ્થિતિ અત્યંત કઠિન હતી. અનેક સ્થળોએ લોકો પોતાના હાથથી મલબો ખસેડી પોતાના સ્વજનોને શોધતા જોવા મળ્યા.
ધ્રુજારી એટલી ભયંકર હતી કે તેની અસર માત્ર કચ્છ પૂરતી મર્યાદિત રહી નહોતી. અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કંપનો અનુભવાયા. સમગ્ર દેશે કચ્છની આ પીડાને પોતાની બનાવી લીધી. દેશ-વિદેશથી મદદનો પ્રવાહ શરૂ થયો. સૈન્ય, એનડીઆરએફ, સ્વયંસેવકો અને સામાન્ય નાગરિકોએ મળીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી.
કુદરતની આ કરૂણ થપાટથી કચ્છ વિકાસની દોડમાં દાયકાઓ પાછળ ધકેલાઈ ગયું હતું. પરંતુ કચ્છની ધરતી જેટલી કઠોર, ત્યાંના લોકો એટલા જ હિંમતવાન. દુઃખની રાખમાંથી કચ્છે ફરીથી ઊભું થવાનું નક્કી કર્યું.
ગત ૨૫ વર્ષોમાં કચ્છે અસાધારણ વિકાસનો માર્ગ અપનાવ્યો. નવા રોડ રસ્તાઓ, આધુનિક હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ અને રોજગારીની નવી તકો ઉભી થઈ. સરકારે ટેક્સ ફ્રી નીતિ જાહેર કરતાં મોટા-નાના ઉદ્યોગોએ કચ્છમાં પગ પેસારો કર્યો. બંદરોના વિકાસથી આયાત-નિકાસ પ્રવૃત્તિઓમાં જબરદસ્ત વધારો થયો. આજે કંડલા, મુન્દ્રા જેવા બંદરો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વૈશ્વિક ઓળખ બનાવી. સફેદ રણ, રણોત્સવ અને સાંસ્કૃતિક વારસાએ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષ્યા. એક સમયે વિનાશ માટે ઓળખાતો કચ્છ આજે વિકાસ, સંસ્કૃતિ અને સંકલ્પનું પ્રતિક બની ગયો છે.
છતાં, ૨૬ જાન્યુઆરી આવે એટલે કચ્છી લોકોનું કાળજું આજે પણ ધ્રુજી ઊઠે છે. એ દિવસની યાદો, એ ચીસો, એ ગુમાવેલા સ્વજનો — બધું ફરી આંખો સામે જીવંત થઈ ઊભું રહે છે. આ માત્ર એક કુદરતી આપત્તિ નહોતી, પણ કચ્છના ઈતિહાસમાં લખાયેલી એક અવિસ્મરણીય કરૂણ કથા હતી.
આવતી પેઢી માટે આ ઘટના માત્ર ઇતિહાસ નહીં, પણ સંકલ્પનો સંદેશ છે.
અહેવાલ: રોહિતસિંહ પઢિયાર, ભુજ
મો.૯૬૬ ૪૯૨ ૮૬૫૩
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

0 Comments