લોરિયા ગામે કિશોરીઓ માટે આરોગ્ય–સુરક્ષા–સ્વચ્છતા પર કેન્દ્રિત વિશેષ કિશોરી મેળો યોજાયો
ભુજ તાલુકાના લોરિયા ગામમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ કિશોરી મેળો તથા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા લોરિયાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા અને માનસિક સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં કુલ ૧૩૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાએ જતી તેમજ શાળાથી બહાર રહેલી કિશોરીઓ માટે આ કાર્યક્રમ માહિતીપૂર્ણ અને માર્ગદર્શક સાબિત થયો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના CHO ધ્રુવલસર દ્વારા કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, સેનેટરી નેપકીનનો યોગ્ય ઉપયોગ તથા તેનો સલામત નિકાલ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી. મુખ્ય સેવિકા કુન્દાબેન ગોર દ્વારા પોષણ, સંતુલિત આહાર અને કિશોરી અવસ્થામાં જરૂરી પોષક તત્વો અંગે માહિતગાર કરવામાં આવ્યું.
DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસે કિશોરી અવસ્થામાં થનારા માનસિક અને શારીરિક ફેરફારો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્ય હેતલબેન પરમારે દીકરીઓને સંબોધતા જણાવ્યું કે કાર્યક્રમમાંથી મળેલી માહિતીનો દૈનિક જીવનમાં અમલ કરવો આરોગ્ય અને આત્મવિશ્વાસ માટે અત્યંત જરૂરી છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પ્રવીણાબેને 181 અભયમ અને 112 જનરક્ષક સેવા અંગે વિસ્તૃત માહિતી આપી, જ્યારે SHE ટીમના હેડ કોન્સ્ટેબલ રમીલાબેને સ્વરક્ષણના ઉપાયો તથા સાયબર સુરક્ષા અંગે કિશોરીઓને ચેતન બનાવ્યા. OSC કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવલીયાએ OSC સેન્ટરની કામગીરી અને સહાય કેવી રીતે મેળવવી તે અંગે સમજ આપી. 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનના ઇન્દ્રજીતસિંહે બાળકો માટેની આ હેલ્પલાઇનના ઉપયોગ અને મહત્વ વિશે માહિતગાર કર્યા.
મેળા સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન પરીક્ષણ, વજન અને ઊંચાઈની તપાસ કરવામાં આવી. આ આરોગ્ય તપાસ દ્વારા કિશોરીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં મદદ મળી.
આ સમગ્ર આયોજનથી લોરિયા ગામની કિશોરીઓમાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને આત્મસન્માન અંગે જાગૃતિ સાથે સશક્તિકરણની ભાવનાને મજબૂત પ્રોત્સાહન મળ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
અહેવાલ: રોહિતસિંહ પઢિયાર, ભુજ
મો.૯૬૬ ૪૯૨ ૮૬૫૩
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.




0 Comments