ટુરિઝમ સાથે સંકળાયેલ કચ્છના વિવિધ વ્યાપારી સંગઠનો એક મંચ પર એકત્ર થયા.
ક્ચ્છના પ્રવાસનના સુરજને મધ્યાહને પહોંચાડનાર રણોત્સવનું વધુ સુચારુ અને સગવડભર્યું આયોજન થાય અને પ્રવાસન સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ એક મંચ પર ભેગા થાય એ આશયથી ક્ચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની એક અગત્યની બેઠક આજરોજ તા. 18/9/24 ના બપોરે ભુજની હોટેલ લા કાસા ખાતે મળી હતી.
આ બેઠકમાં હોટલ એસોસિએશન, હેન્ડીક્રાફ્ટ એસોસિએશન, ટુર ઓપરેટર એસોસિએશન ઈન કચ્છ, ટેક્ષી એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન, હોમ સ્ટેના ધંધાર્થી ભાઈઓ, ગાઈડ એસોસિએશન તથા રેસ્ટોરન્ટ એસોસિએશનના સભ્યો તેમજ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર યુવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત રહેલા અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ સૌ ઉપસ્થિત સભ્યોને સધીયારો આપતા જણાવ્યું હતું કે રણોત્સવ યોજવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે એટલે કોઈ પણ ભ્રામક વાતોમાં કોઈએ ભરમાવું નહીં. રણોત્સવના આયોજન બાબતે તમામ સુચનો આવકાર્ય છે અને આવા તમામ સુઝાવો પર સંગઠનના સભ્યો અને સૌ જનપ્રતિનિધિઓ સાથે મળીને સરકારશ્રીને યોગ્ય રજુઆત કરશે.
ધોરડો ગામના સરપંચ અને બન્નીના સામાજીક અગ્રણી મિયાંહુશેનભાઈ મુતવાએ જણાવ્યું હતું કે રણોત્સવ એ ક્ચ્છની આગવી આન, બાન અને શાન છે. ક્ચ્છની સંસ્કૃતિ અને અસ્મિતા રણોત્સવ સાથે વણાયેલી છે ત્યારે વર્ષોવર્ષ આ આયોજન શ્રેષ્ઠ અને સુચારુ બની રહે એ જોવું આપણા સૌની સહિયારી ફરજ છે.
ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભુજ શહેર હંમેશની માફક આ વર્ષે પણ પ્રવાસી મહેમાનોને આવકારવા સંપૂર્ણ સજ્જ છે અને ક્ચ્છના પ્રવાસનને નવી ઊંચાઈએ પહોંચાડવાના આ શુભ સંકલ્પમાં હું આપની સાથે છું.
આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ તેમના ટેલિફોનિક સંદેશ દ્વારા રણોત્સવના આયોજન બાબતે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ન રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું અને ટુંક સમયમાં જ રણોત્સવનું વિધિવત શિડ્યુઅલ જાહેર થઈ જશે એવી વિશ્વાસભેર ખાતરી આપી હતી તેમજ જણાવ્યું હતું કે ક્ચ્છના પ્રવાસનના શ્રેષ્ઠ હિતને કાયમ રાખવા હું સદૈવ કટિબદ્ધ છું.
માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ એસોસિએશનને ક્ચ્છના પ્રવાસનને વધુ ગતિમાન બનાવવાના કોઈ પણ વિષય પર સહયોગી બનવાની ખાતરી આપી હતી અને આ વિષય સબબ તેમણે કરેલ પત્રવ્યવહારની વિગતો પણ પુરી પાડી હતી.
ત્યારબાદ બેઠકમાં ક્ચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે જટુભા રાઠોડ઼ની નિયુક્તિ કરવામાં આવી હતી જયારે મહામંત્રી તરીકે વિજયભાઈ સોનીની નિયુક્તિ કરવામાં આવી હતી..
નવનિયુક્ત અધ્યક્ષ જટુભા રાઠોડ઼ે જણાવ્યું હતું કે રણોત્સવ અને ક્ચ્છના પ્રવાસનને ચાર ચાંદ લગાવવા માટે એસોસિએશન તરફથી વિવિધ બાબતો પર જે તે વિષય અન્વયેના સંબંધિત વિભાગોને રજુઆત કરીને તેઓની સાથે સુયોગ્ય સંકલન કરવામાં આવશે. અગાઉ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી જેના લીધે કચ્છ સહીત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુનઃ આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઇન્ડિયા લેવલે પ્રસારિત કરવી.
આ ઉપરાંત કવિઓ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડા, સાત્વિકદાન ગઢવી, પરમભાઈ ઠક્કર (હોટલ પ્રિન્સ), વિનયભાઈ રેલોન, સલામભાઈ હાલેપોત્રા, પંકજભાઈ શાહ (કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ), મહેશભાઈ ગોસ્વામી (એલએલડીસી), અંશુલભાઈ વચ્છરાજાની (હેલી ટ્રાવેલ્સ), અંકિતભાઈ જેઠી (બ્લોગર્સ) વગેરે અગ્રણીઓએ પોતાનું પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
વધુમાં બેઠકમાં ઉપસ્થિત સભ્યોના મંથનમાં મુખ્ય મુદ્દાઓ તારવવામાં આવ્યા હતા જેમ કે આ વખતે અગાઉના વર્ષોની જેમ સમયસર સફેદ રણ બન્યું નથી તો રણ તૈયાર ન થવા પાછળના કારણો જાણીને આવતા વર્ષથી રણ સમયસર તૈયાર થઈ જાય એ વિશે પણ તંત્રને અને સરકારને રજુઆત કરવા ઠરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું (કલ્ચરલ પ્રોગ્રામ) આયોજન માત્ર અમુક જૂજ દિવસો પુરતું જ કરવામાં આવે છે. એના સિવાય બાકીના દિવસોમાં આવતા પ્રવાસીઓને પણ કલ્ચરલ પ્રોગ્રામનું મનોરંજન મળી રહે એ હેતુસર હવેથી પહેલી નવેમ્બરથી લઈને 28 ફેબ્રુઆરી સુધી દરરોજને માટે ધોરડો ખાતે કલ્ચરલ પ્રોગ્રામની વ્યવસ્થા ઉભી કરવી આવશ્યક છે તેમજ રણોત્સવ દરમ્યાન ટેન્ટસીટીની બહારે આવેલ ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટી પણ દિવાળીથી જ પ્રારંભ થઈને રણોત્સવની છેક આખરી તારીખ સુધી સળંગ ચાલુ રહે તો સર્વે સામાન્ય જનતાને પણ તેનો ઉત્કૃષ્ટ લાભ મળી શકે એ દિશામાં વિચારવું જોઈએ.
અગાઉના વર્ષોમાં પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન વર્ષોવર્ષ કરવામાં આવતું હતું જે પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બની ચુક્યું હતું. હવે ફરીથી કચ્છ કાર્નિવલનું ભુજ ખાતે આયોજન થાય એ દિશામાં સામુહિક પ્રયત્નો કરવાનું બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભુજ આવતા પ્રવાસીઓ માટે હમીરસર તળાવમાં વોટર એક્ટીવીટીઝ, સેલ્ફી પોઇન્ટસ જેવા અન્ય આકર્ષણો ઉભા થાય તે બાબતે પણ કઈંક નક્કર આયોજન ઘડી કાઢવું જોઈએ.
આ ઉપરાંત રણોત્સવ દરમ્યાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચ થી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન થાય તે બાબતે પ્રયાસો કરવા પણ જરૂરી છે. ધોરડો સાથોસાથ કચ્છના અન્ય તમામ પ્રસિદ્ધ ટૂરીસ્ટ લોકેશનને પણ ગુજરાત ટુરિઝમ દ્વારા જો એગ્રેસ્સીવ રીતે પ્રમોટ કરવામાં આવે તો હજુ પણ વધુ લોકોના પગ કચ્છ તરફ વળે એવી પ્રબળ સંભાવના છે.
બેઠકમાં જીલ્લા ભાજપ ઉપાઘ્યક્ષ શીતલભાઈ શાહ, યુવરાજ પ્રતાપસિંહજી જાડેજા, કુંવર ઈંદ્રજીતસિંહ જાડેજા, અજયદાન ગઢવી, નિવૃત ડીવાયએસપી દિલીપભાઈ અગ્રાવત સાહેબ, માંડવી હોટલ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, જી. એસ. રાવત તેમજ વીરાભાઈ આલાભાઈ મારવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમલભાઈ માણેક, વિજયભાઈ સોની, રાજનભાઈ ઠક્કર અને સાત્વિકદાન ગઢવીએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments