ભુજનો નોખી માટીનો માનવી જેણે આદરી અનોખી રાષ્ટ્ર સેવા

Live Viewer's is = People



ઘણા લોકો વિચાર કરતા હોય કે નિવૃત્તિ બાદ સમય ક્યાં કાઢવો. આ એક વિકટ પરિસ્થિતિ હોય છે. નોકરી માંથી નિવૃત્ત થયા બાદ સમય પસાર કરવાનો પ્રશ્ન દરેક નિવૃત્ત કર્મચારીઓ ને હોય છે. કોઈક ની દુકાને, કે ધાર્મિક સ્થળે પણ કેટલો સમય નીકળે. પણ અમુક લોકો સેવાકીય પ્રવૃત્તિ માં કોઈ સંસ્થા સાથે જોડાઈ જાય છે. જ્યારે અમુક લોકો પોતાની રીતે પણ અનોખી રીતે સેવા કરતા હોય છે. આવાજ એક વ્યક્તિ વિશેષ ભુજના છે. જે નિશુલ્ક અને નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર સેવા કરતા આવે છે. રાષ્ટ્રસેવા માટે દરેક વ્યક્તિને તરતા આવડવું જરૂરી હોવાની નેમ સાથે 68 વર્ષના નિવૃત્ત સુરેશભાઈ વણોલ છે, જે ભુજના નાગર ચકલા વિસ્તાર માં રહે છે. નિવૃત્તિ પછીના જીવનમાં અનોખી રાષ્ટ્રસેવા કરવી તે તેમની પ્રબળ ઈચ્છા હતી. કચ્છ જીલ્લો દરિયો, ડુંગર અને રણ આ ત્રણેય પ્રકૃતિ ધરાવતો જીલ્લો છે. જ્યાં અવાર નવાર વાતાવરણમાં પલ્ટો આવે છે.ત્યારે ક્યારેક ક્યારેક પૂરની સ્થિતિ પણ સર્જાય છે. આવી સ્થિતિમાં બચાવ કામગીરી સમયે અત્યંત ઉપયોગી એવા તરવૈયાઓ જરૂરી હોય છે. સુરેશભાઈ ભુજના હમીરસરમાં તરવૈયાઓ તૈયાર કરી રહ્યા છે. આ બાબતે સુરેશભાઈ કહે છે કે, ગમે ત્યારે કોઈ કુદરતી આફત કે પૂર આવે તો આપણે તરતા આવડવું હોય તો પોતે પણ બચી શકીએ અને બીજાનો પણ જીવ બચાવી શકીએ. આ વર્ષે મેઘરાજાની કૃપાથી ભુજનું હમીરસર તળાવ છલકાઈ જતાં અનેક નવયુવાનો તરવાનું શીખી રહ્યા છે. સુરેશભાઈ દરરોજ વહેલી સવારે સાત વાગ્યે લાઈફ જેકેટ અને હાથવગા સાધનો લઈને હમીરસર તળાવે રાજેન્દ્ર પાર્ક પુલિયા પાસે પહોંચી આવે છે, અને જે પણ લોકો સ્વેચ્છાએ તરવાનું શીખવા તૈયાર હોય તેમને તરવાની તાલીમ આપે છે.હમીરસર તળાવ છલકાઈ ગયા બાદ ચાલુ વર્ષે તેમણે 15થી વધુ તરવૈયાઓ તૈયાર કરી દીધા છે. આ સેવા તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે અને સેંકડો તરવૈયાઓ અત્યાર સુધી તૈયાર કર્યા છે. તેમના પિતા પણ 40 વર્ષ સુધી આ જ રીતે તરવાની તાલીમ આપતા હતા. સુરેશભાઈ પાસે 10 વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધ પણ તરવાની તાલીમ માટે સ્વેચ્છાએ આવે છે. કોઈ પણ જાતના સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા વગર તેઓ યુવાનોને નિ:સ્વાર્થભાવે તરવાનું શીખવાડીને ખરા અર્થમાં રાષ્ટ્રસેવા કરી રહ્યા છે.

અહેવાલ : રોહિત પઢિયાર, એડિટર, ધ ન્યુઝ ટાઈમ્સ.

Post a Comment

0 Comments

close