માંડવી ખાતે રાજયમંત્રીશ્રીની અધ્યક્ષતામાં માંડવી-મુન્દ્રાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ

Live Viewer's is = People

 


ભુજ, મંગળવારઃ મુન્દ્રા અને માંડવી તાલુકામાં કોરાનાની ખરેખર પરિસ્થિતિ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા તેમજ અગત્યની વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી રાજયમંત્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં માંડવી સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજયમંત્રીશ્રીએ માંડવી તેમજ મુન્દ્રાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી કોરોના ટેસ્ટીંગ કીટની વ્યવસ્થા તેમજ સ્થિતિની વિગતો માંગી હતી. આ તકે માંડવી તેમજ મુન્દ્રા ટી.એચ.ઓ.એ હજુ ટેસ્ટીંગ કીટ માટે રજુઆત કરી હતી. જે રજુઆતને ધ્યાનમાં લેતા જરૂરિયાત મુજબ ટેસ્ટિંગ કીટ ફાળવવા માટે રાજયમંત્રીશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢકને સૂચન કર્યુ હતું.



માંડવી જિલ્લા પ્રમુખશ્રીએ મસ્કા અને માંડવી સ્મશાનગૃહ અગ્નિસંસ્કાર માટે ઈલેકટ્રીક વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરી હતી. મસ્કા માટે ૯.૧૦ લાખના ખર્ચે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવું કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવીમાં નગરપાલિકાના સ્વભંડોળમાંથી સ્મશાનગૃહમાં ઈલેકટ્રીક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.


માંડવી નગરપાલીકાના ઉપપ્રમુખશ્રી રાજુભાએ ગઢશીશા સી.એચ.સી.માં ટેસ્ટિંગ કીટ વધારવા તેમજ જે ગામમાં કોરોનાનું સંક્રમણ વધારે છે અથવા વધારે ફેલાય તેવી સ્થિતિ છે ત્યાં પોલીસ બંદોબસ્ત કરાવવા રજુઆત કરી હતી જે રજુઆતને ધ્યાને લેતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સબંધિતોને સૂચના આપી હતી.

 


માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ એલાયન્સ અને મીમ્સ હોસ્પિટલમાં યોગ્ય મેડિકલ સ્ટાફ વધારવામાં આવે તેવી રજુઆત કરી હતી. જે અંગે અન્ય પદાધિકારીઓ પણ પ્રશ્નો રજુ કર્યા હતા. જે રજુઆતને ધ્યાનમાં લેતા કલેકટરશ્રીએ માંડવી-મુન્દ્રા પ્રાંત અધિકારીને હોસ્પિટલની જાત મુલાકાત કરવા માટે જણાવાયું હતું. મુન્દ્રા અદાણી હોસ્પિટલના પ્રશ્ન અંગે રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને નિર્ણય લેવાશે કે હોસ્પિટલમાં કોને કેટલી ફાળવવામાં આવે. રાજયમંત્રીશ્રીએ મુન્દ્રા અને માંડવીની વેકિસનેશનની સ્થિતિ અંગે વિગતો મેળવીને વેકિસનેશનમાં હજુ વધુ કામગીરી કરવા તેમજ સામાજિક ધાર્મિક તેમજ અન્ય સંગઠનોના અગ્રણીઓનો સાથ લઇ જાગૃતિ ફેલાવી વેકિસનેશન હજુ વધારવા અધિકારશ્રીએ તેમજ પદાધિકારીશ્રીઓને જણાવ્યું હતું.


આ ઉપરાંત રાજયમંત્રીશ્રી, સાંસદશ્રી, કલેકટરશ્રી, તેમજ માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રીઓ દ્વારા માંડવીના ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ અન્ય સંગઠનોને સ્વૈચ્છિક લોકડાઉન અંગે લોકોને જાગૃત કરવા તેમજ તેમાં સહકાર આપવા નમ્ર અપીલ કરી હતી. આ બેઠકમાં સી.ડી.એચ.ઓ. ડો.માઢક, માંડવી-મુન્દ્રાના ટી.એચ.ઓ. ડી.ડી.એ, માંડવી-મુન્દ્રા ટી.ડી.ઓ, મામલતદાર તેમજ અન્ય અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Post a Comment

0 Comments

close