અંજાર ખાતે રાજયમંત્રીની ઉપસ્થિતિમાં ૩૦૦ જેટલા વિજકર્મીઓ માટે વેકિસનેશનનું આયોજન કરાયું

Live Viewer's is = People


રસીકરણ અભિયાન અંતર્ગત અંજાર પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, અંજાર ખાતે વિજકર્મીઓને વેકિસન આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોના વેકિસનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓમાં વેકિસનેશનના આયોજનો થઇ રહયા છે ત્યારે પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, અંજાર ખાતે વેકિસનેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જયાં અંજાર વર્તુળ કચેરી, અંજાર વિભાગીય કચેરી, ગાંધીધામ વિભાગીય કચેરી તેમજ અન્ય પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મળીને ૩૦૦ જેટલા વિજકર્મીઓને રસી આપવામાં આવી હતી. 



આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વિજકર્મીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, વેકિસન તો આપણી સુરક્ષા માટે છે તેમાં કોઇના કહેવાની શું જરૂર. શા માટે આપણે સમયસર વેકિસન લઇને સલામત ન બનીએ. તથા વધુમાં ઉમેર્યુ હતું કે, દરેકે પોતાના પરિવારજનોને પણ વેકિસન લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ તથા અંજાર ગેટકોના કાર્યપાલક ઈજનેરશ્રી વામજાને પણ આવું આયોજન કરવા સુચન કર્યુ હતું.



આ ઉપરાંત રાજયમંત્રીશ્રીએ રોટરી કલબ દ્વારા હાથ ધરવામાં આવેલ વેકિસનેશન કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ અને પી.જી.વી.સી.એલ. ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેટકો અંજારના કાર્યપાલક ઈજનેરશ્રી વામજા તેમજ કષ્ટા, અંજારીયા, ગોપાલભાઇ માતા તેમજ પી.જી.વી.સી.એલ. નાં કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ: ગની કુંભાર, ભચાઉ

Post a Comment

0 Comments

close