મુન્દ્રા તાલુકામાં કોવિડ રસીકરણને વેગવાન બનાવવા સંકલન સમિતિની બેઠકમાં અપીલ કરાઈ

Live Viewer's is = People




મુન્દ્રા તાલુકામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ગંભીર રોગો ધરાવતા લોકો માટે રસીકરણ કામગીરીનો પ્રારંભ થઇ ગયેલ છે. તેની વિગતવાર માહિતી ચેતન એમ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગિરિવર એસ. બારીઆએ આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ ખાતાઓના વડાઓને સામાજિક અંતર જાળવવા, માસ્ક અને સેનેટાઈઝેશનનો યોગ્ય ઉપયોગ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીને પ્રોત્સાહિત કરીને કોવિડ રસી લેવડાવવામાં મદદરૂપ થવા મામલતદાર પ્રજાપતિએ અપીલ કરી હતી. 


આ ઉપરાંત બેઠકમાં તાલુકાના બારોઇ, મુન્દ્રા, પત્રી ગામમાં આરોગ્ય સબ સેન્ટર માટે જગ્યા ફાળવવા અંગે, આધારકાર્ડ માટે દાખલા અંગે, મુન્દ્રામાં વીજળીના વાયરોને અંડર ગ્રાઉન્ડ કરવા તથા નવા ફીડર માટે પેનલ કામગીરી અંગે, વિવિધ જગ્યાએ રોડના રીપેરીંગ, જાળી કટિંગ, આડેધડ રોડ પર કરાતા પાર્કિંગ નિવારણ થકી અકસ્માતના બનાવો રોકવા અંગેની ચર્ચાઓ કરીને જે તે વિભાગને અમલવારી કરાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.  


આ બેઠકમાં નાયબ મામલતદાર મહેશ પી. કતીરા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બી. બી. ગોહિલ, મરીન પી. એસ. આઈ. જી. વી. વાણીયા, સી.ડી.પી.ઓ. આશાબેન ગોર, પી.જી.વી.સી.એલ.ના કે. વી. વણકર અને વંદનાબેન પટેલ, તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. 


આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા ખાતે તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદેની ઉપસ્થિતિમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરતા ધ્રબના સરપંચ અધ્રેમાનભાઇ તુર્કે રસી લઈને લોકોને રસીકરણ કરાવવા પ્રેરણા પુરી પાડી હતી. એવું મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું.










Post a Comment

0 Comments

close