મુન્દ્રા તાલુકાનું પ્રાચીન તીર્થધામ વસઈ તીર્થ : અર્વાચીન રોકડીયા હનુમાન મંદિર (કચ્છનું સુવર્ણ મંદિર)

Live Viewer's is = People


પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી અતિ પ્રાચીનભૂમિ કચ્છના મુન્દ્રા તાલુકાના સાગરકાંઠે ભદ્રેશ્વર નામનું પ્રાચીન ગામ આવેલું છે. જેનો પ્રાચીનકાળમાં અતિ સમૃધ્ધ ભદ્રાવતી નગરી તરીકે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ભદ્રેશ્વર ગામમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું દિવ્ય, મનોહર, પરમ પ્રભાવક વસઈ તીર્થ આવેલું છે. જેની સામાન્ય રૂપરેખા માઉન્ટ આબુના દેલવાડાના મંદિરો જેવી જોવા મળે છે.


વસઇ જૈન મંદિર ભારતના સૌથી જૂનાં જૈન મંદિરોમાંનું એક ગણાય છે, જો કે તેનું સમય સમયે સમારકામ અને પુન:બાંધકામ કરાયું છે. એવું મનાય છે કે, દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ સદીઓ પહેલાં આ મંદિરનો પાયો નાખ્યો હતો. બારમી સદીમાં દાનવીર શેઠ જગડુશાએ આ મંદિરનું નવેસરથી બાંધકામ કર્યું હતું. આ મંદિર ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં નાશ પામ્યું હતું. ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યું હતું. ગગનચુંબી શીખરવાળું ભવ્ય, અનુપમ જિનાલય યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરે છે. વિશાળ પરિસરમાં ફેલાયેલ આ મંદિરમાં પ્રવેશતા જ પ્રભુજીના સંપૂર્ણ દર્શન થાય છે મુખ્ય મંદિર ઉપરાંત તેની આસપાસ પરસાળમાં જીનાલયની બાવન ભવ્ય અને કલામય દેરીઓ આવેલી છે. પરિસરમાં જ યાત્રાળુઓ માટે સ્વચ્છ અને સાત્વિક ભોજન પીરસતું વિશાળ ભોજનાલય ઉપરાંત રહેવા માટે ૧૨૦ જેટલા રૂમો પણ ઉપલબ્ધ છે.

 


વસઈ તીર્થની બીજી બાજુ તાજેતરમાં જ જીર્ણોધાર પામેલ ભવ્ય રોકડીયા હનુમાનજીનું મંદિર આવેલું છે રંગબેરંગી ફુવારાઓ અને બગીચા વચ્ચે વિશાળ પરિસરમાં આવેલ આ અર્વાચીન મંદિર રાત્રીના સંગીતમય આરતીના સમયે તો જાણે સુવર્ણ મંદિરનો આભાસ કરાવે છે. તેમાય શનિવારના દિવસે રામભકતોની ભીડ ઉમટી પડે છે ત્યારે મેળા જેવો માહોલ સર્જાય છે. જ્યારે દરિયાકિનારાની નજીક ચોખંડા મહાદેવ તરીકે ઓળખાતું નાળેશ્વર મહાદેવનું મંદિર અને પાંડવ કુંડ તરીકે ઓળખાતી મોટી ચોરસ વાવ જે પાંડવો દ્વારા પાંચ હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવેલી હોવાનું મનાય છે. અહીં પાલી લિપિમાં લખાયેલા શિલાલેખો પણ સચવાયેલા જોવા મળે છે. આ ઉપરાંત શેઠ જગડુશાના મહેલના અવશેષ, બારમી સદીની દુદાની મસ્જિદ અને વાવ પણ જોવાલાયક સ્થળો છે.શાંતિમય વાતાવરણ વાળા આ માંગલિક પાવનકારી પવિત્ર અને દર્શનીય તીર્થસ્થાનની યાત્રા કરવી એ જીવનનો એક અણમોલ લ્હાવો છે.

તસવીર અને અહેવાલ: પ્રકાશ ઠક્કર, મુંદ્રા



Post a Comment

0 Comments

close