સરકારી માધ્યમિક શાળાઓમાં ૨૯૯ શિક્ષકોને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા.

Live Viewer's is = People

સરકારી માધ્યમિક શાળાઓમાં ૨૯૯ શિક્ષકોને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા.



કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક પામનાર ૨૯૯ જેટલા શિક્ષકોને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારંભ અન્વયે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઈ-માધ્યમથી ભાવનગરથી સંબોધન કરી તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત તેમણે ગુણવતાયુકત શિક્ષણ પર ભાર આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન, વ્યકિત નિર્માણથી ચરિત્ર નિર્માણ અને એ થકી ભારત નિર્માણની વાત કરી હતી. ઉપરાંત સ્કિલ મુજબ મૂલ્યાંકન અને વિધાર્થીઓ જોબ સીકર નહીં જોબ ગીવર બને તે રીતે તૈયાર કરવા નવનિયુકત શિક્ષકોને સૂચન કર્યુ હતું.



આ તકે ભુજ ખાતે યોજાયેલ સમારંભમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે નવનિયુકત શિક્ષકોને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત તેમના તેમજ અન્ય મહેમાનોના વરદ હસ્તે ૨૧ ઉમેદવારોને પ્રતિકરૂપે નિમણુંક પત્ર સ્ટેજ પર એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી વાસણભાઇએ કચ્છ પ્રદેશ પર ગર્વ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જેટલી શાળાઓ મંજુર થઇ છે તેમાંથી ૩૩ ટકા શાળાઓ કચ્છમાં મંજુર થઇ છે.તથા ૨૯૯ શિક્ષકોની નિમણુંક થઇ છે જે બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યકત કર્યો હતો.

કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છની ધરોહર અને સંસ્કૃતિની શાબ્દિક ઝાંખી કરાવતા નવી નિમણુંક પામેલા શિક્ષકોને કચ્છની સંસ્કૃતિ સાથે દુધમાં સાકરની જેમ ભળી જવાની વાત કરી જેથી વિધાર્થીઓ સાથે વધુ આત્મિયતા કેળવી તેમની અંદર સારા સંસ્કારો અને શિક્ષણનું સિંચન કરી શકે, વધુમાં આજના ટેકનોલોજીના યુગમાં કંઇક નવું આપવા માટે નવનિયુકત શિક્ષકોને આહવાન કર્યુ હતું.

આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી પી.એ.જલુએ કચ્છ જિલ્લામાં નિમણુંક પામેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત નાયબ નિયામક શ્રી (મહેકમ) શ્રી મહેશ મહેતાએ વર્ગખંડમાં મળતા બાળકોના પ્રતિભાવોને નોબેલ પારીતોષિકથી વિશેષ ગણાવ્યું હતું. વધુમાં નિમણુંક પામનાર શિક્ષકોને કચ્છમાં ૫ વર્ષ પુરા કરી તેમનું શ્રેષ્ઠતમ યોગદાન આપવાની અપીલ કરી હતી.



આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે ૨૯૯ જેટલા ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકે નિમણુંકના પત્રો એનાયત કરવામાં આવી રહયા છે. જે કચ્છ જિલ્લાના શિક્ષણને વધુ મજબૂત બનાવવા તરફનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

આ પ્રસંગે મંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે નવનિર્મિત સરકારી શાળા કુંભારીયા અને ભેરૈયાના ભવનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦ની શ્રેષ્ઠ ત્રણ શાળાઓ, માતૃછાયા કન્યા વિધાલય-ભુજ, ભાડાઇ માધ્યમિક શાળા-મોટી ભાડઇ અને બી.કે.વિધાલય કોટડા (જડોદર) નું સન્માન કરવામાં આવ્યું હતું તથા મહિલા અને બાળ અધિકાર વિભાગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમાંક મેળવનાર પ્રત્યેક દિકરીઓને રૂ.૫૦૦૦ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને કચ્છની ત્રણ શાળાઓના અધ્યાપકોને પી.એચ.ડી. પદવી મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કચ્છી બોલીમાં શ્રી કમલેશ મોતા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે આભારવિધિ વી.એમ.તેરૈયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ વૈધ એ તેમજ પદ્મજા મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, અગ્રણી હરીભાઇ જાટીયા, કચ્છ યુનિ.ના કુલપતિ પ્રો.જયરાજસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિ.પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના રાજય પ્રમુખશ્રી દિવ્યરાજસિંહ જાડેજા તેમજ શૈક્ષણિક મહાસંઘના રાજય ઉપાધ્યક્ષશ્રી મુરજીભાઇ મીંઢાણી, કમિશનર ઓફ સ્કુલના શ્રેયાન અધિક્ષક ડો.સંજય ત્રિવેદી તેમજ સંકલન અધિકારીશ્રી ભદ્રસિંહ વાઘેલા આ ઉપરાંત કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.


Post a Comment

0 Comments

close