જનતા જનાર્દનનો નિર્ણય જાતે જ નર્મદા કેનાલના પાણીથી ડેમ ભરવાનું શરૂ કરી દીધું!

Live Viewer's is = People
રાપર તાલુકાના પ્રાંથળ અને ખડીરના અંતરિયાળ ગામોમાં લોકોએ ડેમમાં પાણી ખૂટતાં નર્મદા નિગમની ઐસીતૈસી કરીને ફતેહગઢ કેનાલના પાણીથી ખાલી ડેમને નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરી દીધું છે.આજે બપોરે વિવિધ ગામનાં બે હજાર જેટલાં લોકોના ટોળાએ નર્મદા કેનાલ પર ધસી જઈ ડેમમાં જતો સમ્પ ખોલી દેતાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ અને સત્તાપક્ષ ભાજપના નેતાઓ રીતસર 'હબક' ખાઈ ગયાં છે.રાપરના અંતરિયાળ પ્રાંથળ વિસ્તારના બેલા, બાલાસર, જાટાવાડા, ધબડા, મૌઆણા અને ખડીર પંથકના ધોળાવીરા, રતનપર, ગણેશપર, અમરાપર સહિતના ગામો અને નાની નાની વાંઢો સહિત પચાસેક ગામ-વાંઢ મળી અંદાજે 80 હજારની વસતી અને એકાદ લાખના પશુધન માટે ભોજનારી ડેમ એક માત્ર તારણહાર છે. જો કે, છેલ્લાં 1 માસથી ડેમમાં પાણી ખૂટી ગયા હતા. ગ્રામજનોએ નર્મદા કેનાલમાં વહેતા પાણીથી ભોજનારી ડેમ ભરવા રજૂઆત કરી હતી પરંતુ નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તેને ધ્યાને લીધી નહોતી. જેથી આજે મૌઆણાના સરપંચ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જયવીરસિંહ વાઘેલા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી ગજેન્દ્રસિંહ વાઘેલા, શિવગઢના સરપંચ રણમલભાઈ પટેલ, બેલાના આગેવાન હેતુભા વાઘેલા, મહાદેવભાઈ ચૌધરી, શિવરામભાઈ મારાજ વગેરે આગેવાનો સહિત બે હજાર લોકોના ટોળાએ હમીરપર ધસી જઈ નર્મદા કેનાલથી ભોજનારી ડેમને જોડતો સમ્પ ખોલી પાણી વહેડાવવાનું શરૂ કરી દીધું હતું. ગ્રામજનોની ગાંધીગીરીને નર્મદા નિગમના અધિકારીઓ જોતાં જ રહી ગયા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી ગજેન્દ્રસિંહ વાઘેલાએ કચ્છખબરને જણાવ્યું કે, ભોજનારી ડેમમાં પાણી ખૂટી પડ્યું છે. હાલ જે પાણી છે તે એકદમ કાંયાવાળું, વાસ મારતું અને પીવાલાયક નથી. ગંદા પાણી નછૂટકે પીવાથી લોકોને પેટ અને ચામડીના રોગ થવા માંડ્યા છે. ઘેર-ઘેર તાવના દર્દીના ખાટલા મંડાયા છે. મેઘાભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ થયેલાં વરસાદમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે પરંતુ સિંચાઈનું પાણી નથી મળતું. જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

એસ એસ એન એલ કહે છે કે, પાણી અમે શરૂ કરવાના જ હતાપેયજલના અભાવે તરફડી રહેલાં ગ્રામજનોની ગાંધીગીરી બાદ સત્તાપક્ષના નેતાઓ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ બઘવાઈ ગયાં છે. સમગ્ર ઘટના અંગે નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર કે.ડી.ગુપ્તાએ જણાવ્યું કે અમે નર્મદા કેનાલ વાટે ભોજનારી ડેમને ભરવાના જ હતા. પણ, ગ્રામજનોએ થોડીક ઉતાવળ કરી નાખી! હકીકત એ છે કે, પાણી વગર ટળવળતાં લોકોની પીડાને સરકારી તંત્રોએ અવગણી હતી. જેથી નાછૂટકે ગ્રામજનોએ ગાંધીગીરી કરવી પડી છે.

રીપોર્ટ :ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close