માંડવીમાંથી પકડાયું એક કરોડનું ડ્રગ્સઃ દ્વારકા ડીવાયએસપી ને બાતમી મળી

Live Viewer's is = People
દેવભૂમિ દ્વારકામાં પોલીસે પકડેલાં એક આરોપીની સઘન પૂછતાછના આધારે કચ્છમાંથી વધુ એકવાર નશીલા-માદક પદાર્થનો કિંમતી જથ્થો ઝડપાતાં ચકચાર મચી ગઈ છે.



એક આરોપીના ઈન્ટરોગેશન દરમિયાન દ્વારકાના ડીવાયએસપી  મિલાપ પટેલને માંડવીના બે શખ્સો પાસે ૧ કરોડનું બ્રાઉન સુગર હોવાનું અને તેને વેચવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી.

માહિતીને ગંભીરતાથી લઈ ડીવાયએસપી પટેલે તુરંત જ ત્રાસવાદ વિરોધી દળ સાથે તેને શૅર કરી હતી. જેનાં પગલે એટીએસ એ કચ્છમાં છેલ્લાં ત્રણેક દિવસથી ધામા નાખી ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આજે એટીએસ એ માંડવીથી બે કિલોમીટર અગાઉ આવતા કોડાય ત્રણ રસ્તા પાસે જલારામ અન્નક્ષેત્ર પાસે વૉચ રાખી જીજે -૧૨ - બીબી - ૪૨૫૩ નંબરની હિરો હોન્ડા મોટર સાયકલ પર જતાં બે યુવકોને ૧ કિલોગ્રામ બ્રાઉન સુગરના જથ્થા સાથે દબોચી લીધા છે. પોલીસે પકડેલાં યુવકોમાં માંડવીના નાદિર હુસેન સમેજા ઊર્ફે રાજા અબ્દુલ સત્તાર અને કાઠડા ગામના ઉમર હુસેન વાધેરનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ બ્રાઉન સુગરની કિંમત અંદાજે ૧ કરોડ જેટલી થવા જાય છે. બેઉ વિરુધ્ધ અમદાવાદ એટીએસ ખાતે ગુનો નોંધાશે. એટીએસ  પીઆઈ વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સંભવતઃ ડ્રગ્સનો આ જથ્થો સમુદ્રીમાર્ગે ભારતમાં ઘુસાડાયો હોઈ શકે છે. અલબત્ત, આરોપીઓના સઘન ઈન્ટરોગેશનમાં જ સમગ્ર બાબતનો સત્તાવાર ખુલાસો થશે. તપાસના હિતમાં હાલપુરતું તેમણે વધુ કોઈ વિગત જાહેર કરવાનું ટાળ્યું છે. ઝડપાયેલાં યુવકો પાસે આ ડ્રગ્સ કેવી રીતે આવ્યું? કોણે આપ્યું? તે ક્યાં પહોંચાડવાનું હતું? બંને કેરીયર છે કે ગુનામાં તેમની ગહન ભૂમિકા છે? ડ્રગ્સનો ખરેખર કેટલો જથ્થો આવ્યો હતો? બાકીનો જથ્થો ક્યાં ગયો? વગેરે જેવા અનેક મુદ્દે તપાસ હાથ ધરાઈ છે.  

સૌરાષ્ટ્ર-કચ્છની સમુદ્રીસીમા બની છે આસાન રૂટ


જમ્મુ-કાશ્મિર અને પંજાબની સરહદે સુરક્ષા બંદોબસ્ત લોખંડી બની જતાં છેલ્લાં દોઢ-બે વર્ષથી પાકિસ્તાની અને અન્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ સૌરાષ્ટ્ર-કચ્છની સમુદ્રીસીમાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં એટીએસએ દ્વારકાના એક શખ્સને ઉપાડી પૂછતાછ કરતાં માંડવીમાં માર્ચ ૨૦૧૮ દરમિયાન ૩૦૦ કરોડનું હેરોઈન લેન્ડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં એટીએસએ માંડવીના રફીક સુમરા, શાહિદ સુમરા અને દુબઈ નાસી ગયેલાં માંડવીના અર્સદ અબ્દુલ રજાક સોતા ઊર્ફે રાજુ દુબઈની ભૂમિકા ખુલી હતી અને તબક્કાવાર તેમની ધરપકડ થઈ હતી. આ મામલે એટીએસએ શ્રીનગરમાંથી નઝીર એહમદ ઠાકર નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. ૨૭ માર્ચ ૨૦૧૯નાં રોજ એટીએસએ ૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે પોરબંદર જઈ રહેલી એક બોટને દરિયામાં આંતરી ૯ ઈરાની શખ્સોની ધરપકડ કરી હતી. તો, ૨૧ મે ૨૦૧૯નાં રોજ જખૌ નજીક કોસ્ટગાર્ડે ૫૦૦ કરોડનું હેરોઈન ભરેલી પાકિસ્તાની બોટ સાથે ૬ પાકિસ્તાની ઝડપ્યાં હતા. આ ડ્રગ્સ મધદરિયે ભારતીય બોટમાં ડિલિવર કરવાનું હતું. આરોપીઓએ ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ દરિયામાં નાખી દીધા હતા. જે શોધવા કચ્છ પોલીસે સઘન સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.

Post a Comment

0 Comments

close