દબાણો દૂર કરવાની કાર્યવાહી મુદ્દે આજે ભચાઉ હિંસક રમખાણનો ભોગ બનતાં સ્હેજ માટે બચી ગયું હતું.

Live Viewer's is = People

ભચાઉના હિંમતપુરા વિસ્તાર બોર્ડિંગ રોડ પર રેલવેની હદમાં થયેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી મુદ્દે આજે ભચાઉ હિંસક રમખાણનો ભોગ બનતાં સ્હેજ માટે બચી ગયું હતું.

BHACHAU firing photo

શહેરની મુખ્ય બજાર સહિત મોટાભાગના વિસ્તારમાં અજંપા સાથે ઉચાટ છવાઈ ગયો હતો. પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ સહિતના અધિકારીઓએ ભચાઉમાં કેમ્પ કરી તમામ સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. બનાવ અંગે લાકડીયાના ઈન્ચાર્જ પીઆઈ બી.વી.ચુડાસમાએ બેઉ કોમના લાકડી, ધોકા, તલવાર,ધારીયા જેવા હથિયારધારી યુવાનોના ટોળા સામે હુલ્લડ કરવાના ઈરાદે ઉશ્કેરાટ પેદા કરી, ગેરકાયદેસર મંડળી રચી, પોલીસ જવાનોની કાયદેસરની ફરજમાં રૂકાવટ પેદા કરવાના ઈરાદે ધક્કામુક્કી કરી હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો (આઈપીસી 353, 143, 147, 149, 504 અને જી.પી.એક્ટ 135) મુજબ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બેઉ કોમના 60-70 60-70 યુવાનોના ટોળા વિરુધ્ધ ફોજદારી નોંધાવાઈ છે. દબાણ દૂર કરવાના મુદ્દે નગરપાલિકા કચેરીમાં થયેલાં દંગલના પગલે બપોરે 1 વાગ્યાના અરસામાં બેઉ કોમના ટોળા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એકમેક સામે ધસી ગયા હતા. છેલ્લાં ઘણાં સમયથી ઘટી રહેલી વિવિધ ઘટનાઓના ઊંડાણમાં ઉતરીને રાજ્યનો ગૃહ વિભાગ નિષ્પક્ષતાથી કડક પગલાં લે તેમ ભચાઉ સહિત સમગ્ર કચ્છની શાંતિપ્રિય જનતા ઈચ્છી રહી છે.
BHACHAU firing photo


નગરપાલિકાના એન્જિનિયરે 17 લોકો વિરુધ્ધ નોંધાવી ફરિયાદ


ભચાઉ પાલિકાના એન્જિનિયર શૈલેન્દ્રસિંહ ઝાલાએ દબાણ હટાવવા મુદ્દે મનદુઃખ રાખી પોતાના પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવા તેમજ કચેરીમાં તોડફોડ દ્વારા સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડી ધાક-ધમકી કરવા સહિતની કલમો તળે 17 લોકો વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હિંમતપુરા વિસ્તારમાં ગઈકાલે રેલવેની હદમાં આવેલાં દબાણો રેલવેની લેખીત સૂચનાના પગલે નગરપાલિકાએ દૂર કર્યાં હતા. જેનું મનદુઃખ રાખી આજે સવારે 11 વાગ્યાના અરસામાં નૂરમામદ કાસમ અબડા, શરીફ લતીફ નોતીયાર, હમીર હજામ, લતીફ ભુરા કુરેશી, નદીમ આમદ અબડા, હારૂન ભચુ મણિયાર, અનવર કાસમ અબડા તેમજ તેમની સાથે રહેલાં 10 જણના ટોળાએ પાલિકાની કચેરીએ આવી તેમના ટેબલ પર હુમલો કરી ટેબલ અને ચેમ્બરના કાચમાં તોડફોડ કરી હતી. આરોપીઓ ટેબલ પર રહેલાં કેટલાંક કાગળો લઈ ગયા હતા અને અમુક કાગળોને નુકસાન કર્યું હતું. આરોપીઓએ ફરી દબાણ હટાવવા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી ડખ્ખો કર્યો હતો. જો કે, હુમલામાં પોતાને કશી ઈજા ના થઈ હોવાનું જણાવી ઝાલાએ સારવાર કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

પાલિકા પ્રમુખ કુલદિપસિંહ અને ટોળા સામે ફાયરીંગ સહિતની ફરિયાદ


હુમલામાં સામેના પક્ષે નુરમામદ અબડા સહિત બે જણ ઘવાયાં હતા. જે પૈકી નુરમામદને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. મોડી સાંજે ભચાઉ પોલીસે આર્મ્સ એક્ટ, રાયોટીંગ, શારીરિક ઈજા પહોંચાડવી સહિતની કલમો તળે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, દેવુભા અને અન્ય સાતથી આઠ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધી હોવાનું ભચાઉ પીઆઈ બી.એસ.સુથારે જણાવ્યું છે. પીઆઈ સુથારે ઉમેર્યું કે, નૂરમામદે ફાયરીંગ થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જો કે, ખરેખર ફાયરીંગ થયું હતું કે કેમ તે અંગે પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમ બોલાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, પોતે ફાયરીંગ કર્યું હોવાનો કુલદિપસિંહે ઈન્કાર કર્યો છે.

ચીફ ઑફિસરે સાડા 4 મહિના બાદ આજે ફરિયાદ નોંધાવી


દબાણ હટાવ મુદ્દે આજે થયેલા ડખ્ખા વચ્ચે ભચાઉ પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઑફિસર મેહુલ જોધપુરાને ગત 13મી ફેબ્રુઆરીનાં રોજ દબાણ હટાવ સમયે પાલિકાના જેસીબી પર થયેલાં પથ્થરમારા-તોડફોડ મુદ્દે સાડા ચાર મહિના બાદ છેક આજે 4 શખ્સો સામે નામજોગ અને અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવવાનું સુઝ્યું છે! જોધપુરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 13મી ફેબ્રુઆરીના રોજ જૂના બસ સ્ટેશન પાસે જૂના રેલવે સ્ટેશન તરફ જતા કાચા રસ્તા પરની કાચી-પાકી દુકાનોના દબાણ દૂર કરી રહ્યાં હતા ત્યારે આરોપીઓએ દબાણ હટાવની કાર્યવાહીનો વિરોધ કરી પાલિકાના જેસીબી પર પથ્થરમારો કરી આગલો કાચ અને એર ક્લિનર તોડી નાખ્યું હતું. ફરિયાદમાં ઝાલાએ જણાવ્યું કે જે દબાણો હટાવ્યા હતા ત્યાં ફરી દબાણો થઈ ગયાં હોવાનું મને વીસ દિવસ પહેલાં જાણવા મળ્યું હતું. જેથી તે આજે ફરિયાદ કરવા આવ્યા છે! તેમણે ઈલિયાસ ભચુ ભટ્ટી, શબ્બિર કેસર નારેજા, અબુ નુરમામદ સમાણી, ફિરોજ ઈલિયાસ ભટ્ટી અને સીસીટીવીમાં દેખાતાં અન્ય માણસો વિરુધ્ધ સરકારી મિલકતમાં નુકસાન કરવા, મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવી છે.

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close