લખન દેસાઈ | નખત્રાણા: રોડ નવો બન્યો હોવાથી વાહનો અને બાઈક ચાલકો વધુ સ્પીડમાં દોડે છે અને ચીકાશ વાળા પાણીના કારણે બાઈકો સ્લીપ થતા અકસ્માતો સર્જાય તેવી ભીતિ છે. નખત્રાણા નગરપાલિકા વહેલી તકે આવા રોડ ઉપર પાણી ઢોળી રોડને નુકસાન કરતા અને અકસ્માતો ને નોતરતા નાસ્તાવાળાઓ સામે દંડનિય કાર્યવાહી કરે એ સમયની માંગ છે. રોડ ઉપર બાઈકો સ્લીપ થતાં કોઈ મોટો જીવલૈણ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની?
નખત્રાણાના નવા નગર થી વથાણ સુધી પાલીસ રોડ બની ગયું છે ત્યારે હવે છેલબટાઉ વાહન ચાલકો પોતાના વાહનો બેફામ ચલાવે છે. રોડ તો નવો બન્યો પરંતુ એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યું. શાળાઓ પાસે, સરકારી કચેરીઓ પાસે કે, સરકારી ક્વાર્ટર પાસે તથા બસ સ્ટેશન પાસે વથાણ પાસે સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે. પરંતુ અહીં ઊંધું થયું છે. જે સ્પીડબ્રેકરો હતા તે પણ કાઢી નાખતા હવે વાહન ચાલકો ની સ્પીડ વધી ગઈ છે. જેના કારણે રોડ ક્રોસ કરતાં બાળકોને પણ ડર લાગી રહ્યો છે.
સરકાર ભલે રોડ નવો બનાવે પણ આવા રોડ ઉપર ગંદુ પાણી ઢોળી ગંદકી ફેલાવતા લોકોને કારણે વારંવાર રોડ તૂટે છે અને ગંદા પાણીના કારણે બાઈકો સ્લીપ થતા અકસ્માતો સર્જાય છે. આવા ખાણીપીણી વાળા અને નાસ્તાની લારીઓ સુપર માર્કેટથી છેક વથાણ સુધી હાઇવે ઉપર ઉભતા હોય છે. અને ધંધો પૂરો થાય એટલે ચીકાશવાળું પાણી ઢોળતા હોવાના કારણે રોડ પણ ખરાબ થઈ રહ્યો છે અને અકસ્માતોને પણ નોતરું થઈ રહ્યું છે
રોડને નુકસાન કરતા લોકો સામે આર. એન્ડ બી. વિભાગ તેમજ નખત્રાણા નગરપાલિકા સંકલન સાધી કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે. હવે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર મંડાઈ છે.

0 ટિપ્પણીઓ: