ઈબ્રાહિમ તુર્ક | મુન્દ્રા : ભુજ હાઇવે પર સોમવારે બપોરના સમયે એસટી બસ અને ખાનગી કાર વચ્ચે થયેલા અકસ્માતે ભારે અફરાતફરી સર્જી હતી. હાઇવે પર પાટિયા નજીક બનેલી આ ઘટનામાં કારમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની તીવ્રતા જોતા મોટી જાનહાનિની શક્યતા હતી, પરંતુ સદનસીબે એસટી બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સલામત બચી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની એસટી બસ નંબર GJ 18 Z 6224 ભુજથી મુન્દ્રા તરફ જઈ રહી હતી. બસ મુન્દ્રા-ભુજ માર્ગ પર આવેલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી સુઝુકી કાર નંબર GJ 12 FD 7462 સાથે તેનો અકસ્માત થયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે કારના એક તરફના ભાગને ભારે નુકસાન થયું હતું.
અકસ્મતની અસર કારના ડ્રાઇવર સાઈડના ભાગ પર સૌથી વધુ જોવા મળી હતી. કારનો ડ્રાઇવર સાઈડનો દરવાજો તેમજ પાછળનો દરવાજો પણ ગંભીર રીતે દબાઈ ગયો હતો. બીજી તરફ એસટી બસના આગળના ભાગમાં પણ નુકસાન થયું હતું. અકસ્માત બાદ બસ નિયંત્રણ ગુમાવી માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કારમાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાતા સ્થાનિક લોકોએ સમય ગુમાવ્યા વિના તેમને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ તરફ ખસેડી હતી. મહિલાની હાલત અંગે વધુ વિગતો તબીબી તપાસ બાદ સ્પષ્ટ થવાની શક્યતા છે.
બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતાં તેમાં સવાર મુસાફરોને પણ થોડો સમય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા મુસાફરોને અન્ય એસટી બસની વ્યવસ્થા કરીને તેમના ગંતવ્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.


0 ટિપ્પણીઓ: