લેખક અને કવિ કિશોર શાહ લિખીત એક લેખ જીવનનો સિક્કો

Live Viewer's is = People

લેખક અને કવિ કિશોર શાહ લિખીત એક લેખ જીવનનો સિક્કો

જીવનનો સિક્કો





જીવન એ એક સિક્કો જ છે. દરેક સિક્કાની જેમ એ સિક્કાને બે બાજુ હોય છે. એક બાજુ સુખ અને બીજી બાજુ દુ:ખ. દરેક માણસના જીવનમાં આ બે બાજુ હોય જ છે. હજી એક ત્રીજી બાજુ પણ છે. એ છે સિક્કાની ધાર. આ ધાર એટલે સિક્કાની બન્ને બાજુ રહેલી સરહદ. 


જીવનના સિક્કાની સુખની બાજુ ચમકીલી હોય છે જ્યારે દુ:ખની બાજુ ચમકતી નથી હોતી. એ વિષાદને લીધે ચમક ગુમાવી બેઠેલી હોય છે. માણસો આ ચમક ગુમાવેલી બાજુથી ચમકતી બાજુ તરફ઼ જવાના અવિરત પ્રયત્નો કરે છે. કેટલાક પહોંચે છે તો કેટલાક અધવચ્ચે જ જીવનનો સિક્કો ખોઇ બેસે છે. 


જગતમાં દરેક માણસને સુખી થવું છે. એ માટે એના તનતોડ પ્રયાસો રહે છે. આ તન તોડી નાખે એવા પ્રયાસો સુખ નામના પ્રદેશની શોધના છે. માણસોએ સુખ અને દુ:ખને ખૂબ જ મૂલવ્યાં છે. એક નવાઈ એ છે કે સુખી માણસોએ સુખને કદી મૂલવ્યાં નથી એવું લાગ્યા કરે છે. તો શું છે આ મુલવણી ? કોણ મુલવે છે આ બધું ? 


કહે છે કે કોઇના માથા પર દુ:ખના પહાડ તૂટી પડે છે. હા, દુ:ખના પહાડો જ હોય છે. સુખના શિખરો હોય છે. એ તૂટતા નથી પણ અત્યંત લપસણા હોય છે. જરા ભૂલ અને માણસ સિક્કાની બીજી તરફ઼. દુ:ખના પ્રદેશમાં જઈ પહોંચે છે. જો માણસ પુરુષાર્થ કરે તો દુ:ખના તૂટેલા પહાડોમાંથી પણ રસ્તો કાઢે. સિક્કાની કિનારી સુધી પહોંચવા  અને ઓળંગવા પુરુષાર્થ જ કામ આવે.


કહેવાય છે કે દુ:ખી માણસના માથા પર દુ:ખના ઝાડ ઉગે છે. હા, ઉગતા હશે. આ ઝાડ છાંયડો નથી આપતા. આ ઝાડ કાંટાળા હોય છે. સુખી માણસના માથા પર એવા ઝાડ નથી ઉગતા. એના માથા પર અહમ નામના ન ઝૂકતા વેલા ઉગે છે. 


દુ:ખનું આશ્વાસન છે શ્રદ્ધા. દુ:ખીને ઇશ્વર અને તેત્રીસ કરોડ દેવતાઓ પર અતિ શ્રદ્ધા હોય છે.  નવરાત્રી આવે તે પહેલા મેં જોયું છે કે હજારો દુ:ખી માણસો કેટલાય કીલોમીટર પગપાળા ચાલતા આશાપુરા માતાને નમવા જાય છે. એમને એક અતૂટ શ્રદ્ધા હશે કે ભગવાન કે માતાજી એમના દુ:ખો દૂર કરશે. આ શ્રદ્ધા એમને ચાલક બળ આપે છે.  એ પછી શું થાય છે એની ખબર પડતી નથી. 


સુખી માણસો પણ શ્રદ્ધાથી ઇશ્વરને નમે છે, દેવી-દેવતાઓને નમે છે. એનું કારણ એ હશે કે એ માણસ જે સ્તરે સુખી છે એનાથી સુખના ઉચ્ચ સ્તરે પહોંચે એવી ઝંખના. આ ઝંખનાની કોઇ હદ, સરહદ નથી. આ જ દર્શાવે છે કે સુખી માણસ પણ ભીતરથી દુ:ખી જ છે. એ પણ ઇશ્વર પાસે યાચના કરવા જાય છે.  અહીં યાચનામાં સુખી-દુ:ખીનો ભેદ છેદાઇ જાય છે. ઇશ્વરના દરબારમાં, દેવી-દેવતાઓના દરબારમાં, બધા જ માગણશી હોય છે. બધા જ ભિક્ષુક હોય છે.


દુ:ખ એક એવી કાંટાળી વેલ છે જેના પર ભૂખના ફ઼ળો ઉગે છે. આ ભૂખ માણસને ભ્રમીત કર્યા જ કરે છે. એને સુખી માણસ જોઇને ઇર્ષા થાય છે. આ ઇર્ષા થવી સ્વાભાવિક છે. કારણ કે એ અંતરની સુખી થવાની ઝંખનામાંથી પ્રગટેલી છે.  ક્યારેક આ ભૂખ માણસને આગળ વધવા પ્રેરે. એ સિક્કાની ધાર ઓળંગીને સુખના પ્રદેશમાં પણ પહોંચે. કોરોના બિમારી દરમિયાન સરકારે ઝોન પડેલા. ગ્રીન-ઓરેન્જ અને રેડ. મેં લખ્યું હતું કે ભુખના ઝોનનો રંગ હમેશ કાળો હોય છે. આ કદી બીજા રંગોના ઝોનમાં નથી ફ઼ેરવાતો. 


સુખ અને દુ:ખની એક વાત તો નક્કી જ છે. સુખ સદાય એકવચનમાં છે. કહેવાય કે મને સુખ મળ્યું છે. જ્યારે દુ:ખો એકવચન અને બહુવચનમાં છે. કહેવાય કે મારા પર દુ:ખો તૂટી પડ્યા. સુખો કદી તૂટી નથી પડતા. 


અંતે સુખ-દુ:ખની વાત અને એનો ફ઼રક કવિ વેણીભાઈ પુરોહિતે માત્ર બે જ પંક્તિમાં ખૂબ જ સરસ રીતે કર્યો છે. 


સુખના સુખડ જલે રે મારા મનવા, 

દુ:ખના બાવળ બળે, 

સુખડ જલેને થાયે ભસમની ઢગલી

બાવળના કોયલા પડે. 


કવિએ ખૂબ જ સૂક્ષ્મ રીતે સુખ અને દુ:ખના ભેદ પાડ્યા છે. સુખ અને દુ:ખનો વિરોધાભાસ દર્શાવ્યો છે. કવિ કહે છે : સુખના સુખડ જલે અને દુ:ખના બાવળ બળે. પ્રથમ તો સુખને સુખડ દર્શાવાયું છે અને દુ:ખને બાવળ. જમીન આસમાનનો ભેદ અહીં છે. સુખના સુખડ જલે છે અને દુ:ખના બાવળ બળે છે. અહીં જલવા અને બળવાનો ભેદ પણ પ્રગટ થાય છે. જો કે બન્ને ક્રિયાઓ તો સરખી જ છે. માત્ર શબ્દાર્થના શેડ દ્વારા જબ્બર ભેદ ઊભો થાય છે. 


કવિ કહે છે : સુખડ જલેને થાયે ભસમની ઢગલી. આ ભસ્મ તો પવિત્ર જ મનાતી આવી છે. ભસ્મનો રંગ પણ સફ઼ેદી તરફ઼ ઝૂકેલો હોય છે. બાવળના કોલસા પડે. બાવળ બળ્યા પછી કોલસા ! કાળા કોલસા ! સુખ અને દુ:ખ વચ્ચેનો આ જબ્બર વિરોધાભાસ માત્ર બે પંક્તિમાં વેણીભાઈએ દર્શાવ્યો છે.

લેખક :- કિશોર શાહ (સંગોઈ), કચ્છ.

(નોંધ:- આ લેખના સર્વ હક્ક લેખક અને પ્રકાશકના અબાધિત રાખેલ છે. એમની લેખિત મંજૂરી વિના કોપી પેસ્ટ કરી શેર કરનાર સામે કોપીરાઇટ્સ ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.)

Post a Comment

0 Comments

close