આત્મશોધન એટલે શુ? આત્મશોધનના વિષય પર પ્રકાશ પાડતો કિશોર શાહનો રસપ્રદ લેખ

Live Viewer's is = People

"આત્મશોધન એટલે સ્વયં સાથે યુદ્ધ" 


 કિશોર શાહ-સંગોઇ

સ્વયં સાથે યુદ્ધ ? હા, સ્વયં સાથે માનસીક સ્તરે યુદ્ધ. આત્મશોધનનો રસ્તો અઘરો અને કાંટાળો છે. જેઓ એ રસ્તે ગયા છે અને સફ઼ળ થયા છે તેઓ કશું નથી કહેતા. ચૂપ થઈ જાય છે. ખૂબ પૂછીએ તો કહે "ભીતર જાઓ અને સ્વયંને શોધો.” ભીતર જવું એ ખરેખર ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.

અહીં કચ્છીમાં બે પંક્તિઓ :

ધરમ ધરમ કોરો કઈયેં

ધરમ ન જાણે કોય.

જોકો ધરમ જાણે વ્યો

ઓનજા ચપ ભંધ બોય. -કિશોર શાહ

ભીતર જવાની પ્રથમ શરત એ છે કે જીવનભર પહેરેલા બાહ્ય મુખવટાઓ એક પછી એક કરીને ઉતારવા પડે. મુખવટા ઉતરતાં જ બીજી વ્યક્તિ તરીકે પ્રગટ થઈએ. મનમાં ભય જાગે કે જગત મને આ સ્વરૂપે સ્વીકારશે ? ન સ્વીકારે તો ? બસ આ જ ડરથી મુખવટો પાછો પહેરી લેવાય છે.

ક્યારેક વિચાર આવે કે માણસનું મુખવટાઓ વિનાનું સ્વરૂપ કેવું હશે ? એ જે વાસ્તવમાં છે એ કેવી રીતે પ્રગટ થતો હશે ? એવી વ્યક્તિ મળે ખરી ? આપણે એવી વ્યક્તિઓના પરિચયમાં આવ્યા જ છીએ. તદ્દન ઓછા મુખવટા ધરાવતી વ્યક્તિઓના પરિચયમાં ! એ છે નિર્દોષ નવજાત બાળક. એની પાસે માત્ર બે જ મુખવટા છે. ખુશ થાય ત્યારે ખીલખીલાટ હસવું અને તકલીફ઼ હોય તો રડવું. આટલા ઓછા મુખવટાઓને કારણે કદાચ એ કશાય યુદ્ધ વિના ભીતર પણ જઈ શક્તું હશે, પણ વાચા વિના એ કશું કહી શક્તું નથી. આપણી કરુણતા એ છે કે આપણી પાસે વાચા છે, વિચારો છે એટલે જ આપણે માત્ર બે મુખવટાઓથી જીવી નથી શક્તા. આપણે વાચા અને વિચારો મેળવીને ઘણું ગુમાવ્યું છે. જેનો આપણે કદી અફ઼સોસ કરતા નથી. અફ઼સોસ થતો પણ નથી.

જેમ જેમ વય વધે તેમ તેમ મુખવટાઓ વધે. માણસ સ્વ આત્મશોધનથી દૂર થતો જાય. એ જગતના વહેણ અને વહેવારોમાં એવો ગુંથાય-ગુંચવાય કે આત્મશોધનનો અહેસાસ સુદ્ધાં ગુમાવી દે. કોઇ જ્યારે એને આત્મશોધનની વાત કરે ત્યારે ત્યારે એને ખુદ સાથે લડવાનું થાય. આ લડાઇમાં શું રાખવું અને શું છોડવું એ નક્કી ન કરી શકે.

સર્વસ્વ છોડવાની વાતો પુરાણકથાઓ અને ધર્મોમાં છે. બુદ્ધ અને મહાવીરને આત્મશોધન કરવું હતું માટે એક જ ઝાટકે રાજપાટ છોડ્યું. સર્વસ્વનો ત્યાગ કર્યો. એમણે સર્વ મુખવટાઓ પણ છોડ્યા અને વર્ષો સુધી આત્મશોધનની આરાધના કરી અર્થાત ખુદ સાથે યુદ્ધ કર્યું. એટલે જ તેઓ ભગવાન કહેવાયા.આ પદવી અમસ્તી તો નથી જ મળતી.

આ યુગમાં આપણે ભલે મહાવીર-બુદ્ધ જેટલું ન કરી શકીએ, ભગવાન ન બની શકીએ પણ આત્મશોધનનો પ્રયત્ન તો કરી જ શકીએ. કાળક્રમે મુખવટાઓ તજી, ખુદ સાથે લડી, ઉચ્ચ સ્તરે જઈ શકીએ. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ મનની વિશાળતાનો વ્યાપ વધતો જાય. ખ્યાલ આવે કે તજી દીધેલા મુખવટા વીના પણ ચાલી શકે છે. ફ઼રી શરુ થાય બીજા મુખવટાઓ તજવાની ક્રિયા. બસ આ જ આત્મશોધનના યુદ્ધમાં પ્રથમ જીત.

જ્યારે પ્રથમ જીત થાય, પહેલું પગલું મંડાઈ જાય ત્યારે બીજું પગલું માંડવાની ઇચ્છા જાગૃત થાય. ખુદ સાથે ફ઼રી યુદ્ધ કરવું પડે, અન્ય નકામા મુખવટાઓ તજવા પડે. આમ આત્મસ્તર ઊંચે ને ઊંચે જાય. ક્યારેક જગત મિથ્યા પણ લાગે.

નવાઈની વાત એ છે કે આ યુદ્ધ એકપક્ષીય છે. ખુદ સાથે જ લડવું. હાર-જીત પણ ખુદ સાથે જ ! જીતો તો થોડા ઉચ્ચ સ્તરે પહોંચો અને હારો તો નીચેના સ્તરે ન જતાં હો ત્યાં જ રહો. એ જ સ્થાને ટકીને ફ઼રી પ્રયત્ન કરી શકો. જેમ કરતાં જાળ કરોળિયો.

નવજાત બાળક જેવા બનવાનું આ યુદ્ધ મારી દૃષ્ટિએ જીવનનુ અંતિમ લક્ષ્ય કહી શકાય. ખુશીમાં ખીલખીલાટ હસવાનું અને તકલીફ઼માં રડવાનું. પૂર્ણ મુગ્ધાવસ્થા ભીતર તેમ જ બહાર. આ જગતમાં વય વધ્યા પછી બાળક જેવા બનવું સહેલું નથી જ. માત્ર પ્રબળ ઝંખના ધરાવનાર અને મુખવટાઓ તજનાર જ બાળક જેવા મુગ્ધ અને નિર્દોષ બની શકે.

બાકી તો આવ્યા કોના ઇશારે અને જઈશું કોના ઇશારે એ પણ ન જાણતાં આપણા જીવનનો અંત આ આંતરિક યુદ્ધ વિના જ આવી જાય છે.

લેખક :- કિશોર શાહ (સંગોઈ), કચ્છ.

(નોંધ:- આ લેખના સર્વ હક્ક લેખક અને પ્રકાશકના અબાધિત રાખેલ છે. એમની લેખિત મંજૂરી વિના કોપી પેસ્ટ કરી શેર કરનાર સામે કોપીરાઇટ્સ ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.)

Post a Comment

0 Comments

close