મા ભોમ સાથે અબોલ જીવના રક્ષક,કચ્છના સમુદ્રમાં જવાનોએ દુર્લભ કાચબાને બચાવ્યો

Live Viewer's is = People
કચ્છની રણ અને જળ સરહદે તૈનાત બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનો માતૃભૂમિની સાથોસાથ સીમાએ ટહેલતાં અબોલ જીવોના પણ રક્ષક બનીને ઉભર્યાં છે.




બીએસએફ ની ૧૭૨ મી બટાલિયને આજે સાંઘી જેટીથી થોડેક દૂર મોટા પીર નજીક માછીમારની જાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયેલાં એક ઓલિવ રીડલી કાચબાને મુક્ત કરી તેને પુનઃ દરિયામાં મુક્ત કરી દીધો હતો.

બીએસએફ ના કમાન્ડન્ટ સંજય શર્માએ જણાવ્યું કે આજે સવારે તેમની એક ટૂકડી બોટ મારફતે સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મોટા પીર બેટ નજીક એક મોટો કાચબો ફિશીંગ નેટમાં ફસાયેલો જોવા મળ્યો હતો. આ કાચબો જાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જેથી જવાનો તેને જાળ સાથે બોટમાં નાખીને કાંઠે લઈ આવ્યા હતા. કાંઠા પર લવાયા બાદ નેટ કાપીને તેને મુક્ત કરી દેવાયો હતો. બાદમાં ફરી તેને મોટા પીર નજીક સમુદ્રમાં તરતો મુકી દેવાયો હતો. બીએસએફ ના કંપની કમાન્ડર રતનસિંઘે જણાવ્યું કે, ૮૩ સેન્ટીમીટર લાંબો અને ૬૮ સેન્ટીમીટર પહોળો આ કાચબો ૨૯ કિલોગ્રામનો હતો. થોડીક મિનિટો માટે આવેલા આ મહેમાનને જોઈ જવાનો પણ રોમાંચિત થઈ ગયા હતા.

ઓલિવ રીડલી કાચબા કાંઠા પર ઈંડા મુકવા આવે છે



વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલો કાચબો ઓલિવ રીડલી હતો. આ કાચબાને વનવિભાગે અનુસૂચિ-1માં વર્ગીકૃત કર્યો છે અને તેના શિકાર પર પ્રતિબંધ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન આઈસીચુએન એ પણ આ કાચબાનો લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરેલો છે. ગુજરાતના દરીયાકાંઠે આ કાચબાઓ ઈંડા મુકવા આવે છે. પોરબંદરના માધવપુર નજીક ખાસ તેની હેચરી પણ બનાવાયેલી છે. દરિયાઈ શાસ્ત્રના જાણકારોના મતે કચ્છના દરેક દરિયાકિનારે આ કાચબાની પ્રજાતિની હાજરી નોંધાયેલી છે. ઓલિવ રિડલી ટર્ટલ મોટા પ્રમાણમાં માંસ, ઈંડા અને ફિશિંગની જાળીમાં પકડાઈ જવાથી મોતને ભેટી રહ્યાં છે. વિપુલ પ્રમાણમાં તેઓના ઈંડાને હેચરીમાં મૂકી ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ દરિયામાં ચાલ્યા જાય છે.વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડના એક આંકડા મુજબ વૈશ્વિક ધોરણે 8 લાખથી વધુ આ પ્રજાતિની માદા પૃથ્વી પર હયાત છે. ગુજરાતમાં સમુદ્રીકાંઠે થઈ રહેલા ઔદ્યોગિકરણ, પ્રવાસનના વિકાસ, કાંઠે રખડતાં શ્વાનો-શિયાળ જેવા પશુ અને શિકારીઓના કારણે ઓલિવ રીડલી ટર્ટલની પ્રજાતિ માટે મોટો ખતરો છે.

રીપોર્ટ :કિશોર ભાનુશાલી, નલીયા 

Post a Comment

0 Comments

close