ભચાઉના જૂના કટારીયાની વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયે ગામમાં રહેતા 15 વર્ષના દલિત કિશોરને ધોરણ 10માં એડમિશન ના અપાતાં કિશોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
ગઈકાલે રાત્રે શાળાના આચાર્ય આર.એલ.શર્મા અને અન્ય સંડોવાયેલાં સંચાલકો વિરુધ્ધ છાત્રના પિતા ભોજાભાઈ ચાવડાએ એટ્રોસીટી સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદ નોંધાયા બાદ આજે દિવસભર શાળાને બંધ રખાઈ હતી.
કચ્છખબરે શાળાના આચાર્યનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો પણ મોબાઈલ ફોન બંધ હતો. બનાવની તપાસ કરી રહેલાં SC/ST સેલના DySP એસ.એમ.સૈયદ શાળાએ ગયા ત્યારે ત્યાં ‘શાળા સાથે અન્યાય થતા હમણા શાળા બંધ રાખેલ છે’ લખાણવાળા નોટીસ બોર્ડ સાથે મુખ્ય દરવાજે અલીગઢી તાળા લટકતાં જોવા મળ્યાં હતા. SC/ST સેલના DySP એસ.એમ.સૈયદે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોના નિવેદનો લીધાં છે.
અશોકને જ ઈરાદાપૂર્વક એડમિશન ના અપાયું હોવાનો આક્ષેપ
શાળાના આચાર્ય-સંચાલકો સામે ફરિયાદ નોંધાવનારાં મૃતક અશોકના પિતા ભોજાભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અશોક અગાઉ આ શાળામાં જ અભ્યાસ કરતો હતો. દરમિયાન, સમાજના આગેવાનોએ ગાંધીનગર જિલ્લાના માણસામાં અનુસૂચિત જાતિના છાત્રો રહેવા માટે સર્વોદય છાત્રાલય અને બાજુમાં સરકારી શાળામાં અભ્યાસની સુવિધા હોવાનું જણાવતાં દલિત સમાજના અનેક છાત્રો માણસા ભણવા ગયેલાં. અશોકના બે સહાધ્યાયી મિત્રો કાનજી અને શંભુ માણસા ભણવા જતા હોઈ અશોક પણ વર્ધમાન વિદ્યાલયમાંથી લિવિંગ સર્ટીફિકેટ કઢાવી માણસા ગયો હતો. જો કે, માણસા ગયા બાદ અશોક અને તેના સહાધ્યાયી મિત્રોને ત્યાં ગમતું નહોતું. કાનજી અને શંભુ માણસાથી પરત કટારીયા આવી જતાં અશોક પણ ગામમાં પાછો આવી ગયો હતો. ગત 28 જૂનનાં રોજ કાનજી, શંભુ અને અશોક ત્રણેય જણાં જાતે શાળાએ ધોરણ 10માં એડમિશન લેવા ગયા હતા. તે સમયે આચાર્ય શર્માએ કાનજી અને શંભુને એડમિશન આપી દીધું હતું પણ અશોકને એડમિશન આપવા ઈન્કાર કરી દીધો હતો. અશોકે ઘરે આવી આ અંગે પિતા ભોજાભાઈ ચાવડાને વાત કરતાં ભોજાભાઈ બીજા દિવસે તેમના મિત્ર દેશળ પરમારને સાથે લઈ શાળાના આચાર્યને મળવા ગયા હતા. જો કે, આચાર્યએ ‘તમારા પુત્રનું માણસાની કોઈ શાળામાં એડમિશન થયું નથી એટલે હું તેને નવા સત્રમાં દાખલ નહીં કરી શકું’ તેમ કહી એડમિશન આપવાનો ઈન્કાર કરી દીધેલો. અશોકના પિતાએ આવો કોઈ નિયમ હોય તો તે અંગેનો જી.આર. કે પરિપત્ર બતાડવા જણાવ્યું હતું. પણ આચાર્યએ તેવો કોઈ સરકારી કાગળ ના હોવાનું જણાવ્યું હતું. આચાર્ય એડમિશન નહીં જ આપે તેવું પામી ગયેલાં ભોજાભાઈએ પુત્રને ‘એક વરસ ફરી લે, આવતા વર્ષે તારું આ સ્કુલમાં એડમિશન કરાવી દઈશ’ તેમ જણાવી એક વર્ષ પુરતું મન વાળી લેવા જણાવ્યું હતું. જેથી અશોકે ઉદાસ થઈ પિતાને વિનંતી કરી હતી કે ‘પપ્પા મારું વર્ષ બગડશે. તમે ગમે તે કરો પણ મારો અભ્યાસ ના બગડે તેવું કાંઈક કરો’ જો કે, પિતાએ એક વર્ષ પુરતું મન વાળી લેવા જણાવ્યા બાદ તે સતત ઉદાસ અને ગુમસુમ રહેવા માંડ્યો હતો. 22મીની સાંજે તેણે ઘરના ઉપલા રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અશોકના મૃત્યુના તુરંત બાદ ભોજાભાઈએ શર્માને ફોન કરી જણાવ્યું હતું કે, ‘તમે મારા દીકરાને એડમિશન ના આપતાં તેણે ગળેફાંસો ખાઈ મરી જવું પડ્યું છે. તમારી પાસે જી.આર. હોય તો આપો સાહેબ.’
માધ્યમિક શિક્ષણ વિભાગ ઘટનાની તપાસ કરશેઃ DEO
ધો.10માં એડમિશન ના મળતાં દલિત છાત્રએ કરેલાં આપઘાતની ઘટનાને શિક્ષણ વિભાગે પણ ગંભીરતાથી લીધી છે. જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડૉ.બી.એન. પ્રજાપતિએ જણાવ્યું કે, સમગ્ર બનાવની શિક્ષણ વિભાગ તપાસ કરશે. દરમિયાન, ફરિયાદ બાદ અચાનક શાળા બંધ કરી દેવાતાં તેમાં ભણતાં છાત્રોના ભાવિ પર અસર પડવાની આશંકા સર્જાઈ છે. પ્રજાપતિએ જણાવ્યું કે, શાળા ચાલું કરવા અમે સૂચના આપી દીધી છે. દરમિયાન, આ ઘટના સંદર્ભે જૈન સમાજે આચાર્યને ખોટી રીતે ફસાવાતા હોવાની સરકારી તંત્રો સમક્ષ રજૂઆત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
0 Comments