રોહિત પઢિયાર|ભુજ: કચ્છના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ભુજના ઐતિહાસિક પ્રાગમહેલ ખાતે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કલાતીર્થ ટ્રસ્ટ, સુરત અને પ્રાગમહેલ ટ્રસ્ટ, ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના મહારાવોના તૈલચિત્રોથી સજ્જ ચિત્રવીથિકાનું અનાવરણ તેમજ ‘કચ્છના રાજવી રત્નો : કલાગંગોત્રી ગ્રંથ–૩૭’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
મહારાણી પ્રીતિદેવીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહનો પ્રારંભ દીપપ્રાગટ્યથી થયો હતો. મહારાણીના હસ્તે તૈલચિત્ર ચિત્રવીથિકા મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાઈ હતી. વિવિધ મહારાવોના જીવન અને સમયખંડને કેનવાસ પર રજૂ કરવામાં આવતાં ચિત્રવીથિકા કચ્છના અનેક સદીઓના રાજવી ઇતિહાસની દૃશ્યયાત્રા કરાવે છે.
આ પ્રસંગે 286 પાનાના ‘કચ્છના રાજવી રત્નો’ ગ્રંથનું પણ વિમોચન થયું હતું. ગ્રંથમાં કચ્છના રાજવી ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના વિવિધ પાસાંને સંશોધનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. મહારાવ ગોડજી પ્રથમ, મહારાવ દેશળજી પ્રથમ અને મહારાવ ગોડજી બીજા વિશે લેખકને લખવાનું સદભાગ્ય મળ્યું હોવાનું પણ જણાવાયું હતું.આ પણ વાંચો...
સમારોહમાં દેવેન્દ્રભાઈ શાહે કચ્છના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને દસ્તાવેજીકૃત કરવાનો આ પ્રકલ્પનો પ્રયાસ ગણાવ્યો હતો. પ્રાગમહેલ ટ્રસ્ટના ટ્રસ્ટી દીપેશભાઈ શ્રોફે કચ્છના સાંસ્કૃતિક વારસાના દસ્તાવેજીકરણનું કાર્ય સતત ચાલુ રહેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાએ કાર્યક્રમને કચ્છની કલા, સંસ્કૃતિ અને ઇતિહાસનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો.
ચિત્રવીથિકાની વિશેષતા એ છે કે દરેક તૈલચિત્ર સાથે QR કોડ આપવામાં આવ્યો છે. તેને સ્કેન કરીને મુલાકાતીઓ સંબંધિત મહારાવ અને ઐતિહાસિક માહિતી ડિજિટલ માધ્યમથી જાણી શકશે. આ પહેલ પરંપરાગત કલાપ્રદર્શનને આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે.
કાર્યક્રમ દરમિયાન સાહિત્ય અને ચિત્રકળા ક્ષેત્રે યોગદાન આપનાર અનેક સર્જકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જાણીતા લેખક-સંશોધક સંજયભાઈ પી. ઠાકરે આ આયોજનને કચ્છના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્ચનાબેન ચૌહાણે કર્યું હતું, જ્યારે આભારવિધિ નરેશભાઈ અંતાણીએ કરી હતી.
પ્રાગમહેલમાં યોજાયેલો આ કાર્યક્રમ પુસ્તક વિમોચન અને ચિત્રપ્રદર્શન પૂરતો સીમિત ન રહેતાં કચ્છના રાજવી ઇતિહાસને રંગ અને શબ્દના માધ્યમથી જીવંત રાખવાની અનોખી પહેલ બની રહ્યો હતો.



0 ટિપ્પણીઓ: