મુંબઈની પ્રતિષ્ઠિત તાજ હોટેલ ખાતે કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડ દ્વારા આયોજિત ‘સેફટેક એવોર્ડ્સ-૨૦૨૬’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ફાયર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ફાયર ફાયટર્સની નિષ્ઠા તથા સેવાભાવને બિરદાવતા આ કાર્યક્રમની શરૂઆત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતવૃંદના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
આ પણ વાંચો
ન્યૂ જર્સીમાં આચાર્ય સ્વામીનું સન્માન
આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ વિશ્વ સત્સંગ સમ્રાટ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશિર્વાદ સહ સંતવૃંદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંતોની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં આધ્યાત્મિકતા સાથે સમાજસેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં કાર્યરત લોકોના સન્માનનો ભાવ વધુ ગાઢ બન્યો હતો.
કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડના ડાયરેક્ટર શ્રી એન. કે. ગુપ્તાના આયોજન હેઠળ યોજાયેલા આ સમારોહમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, મુંબઈ મંદિરના મહંત સંત શિરોમણી શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી તેમજ મુંબઈ ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વિવિધ વિસ્તારોમાંથી ફાયર વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમારોહમાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમની સેવાભાવનાને પણ વિશેષ રીતે યાદ કરવામાં આવી હતી. છેલ્લા ૨૮ વર્ષથી આ ટીમ કુદરતી આપત્તિ સહિતની વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિઃસ્વાર્થપણે રેસ્ક્યુ અને સમાજસેવાના કાર્યો કરી રહી છે.
સમારોહના અંતે પૂજનીય સંતોએ સમાજ અને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ વચ્ચે રહીને ફરજ બજાવતા તમામ એવોર્ડ વિજેતા ફાયર ફાયટર્સને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડની સમગ્ર આયોજન ટીમને પણ આ પ્રકારના સન્માનજનક કાર્યક્રમ બદલ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

0 ટિપ્પણીઓ: