તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ: મેન્ગ્રોવ સંરક્ષણને મળશે ટેકનોલોજીનો સહારો; ભૂપેન્દ્ર યાદવે MGIS પોર્ટલ લોન્ચ કરી કચ્છના દરિયાકાંઠાના પર્યાવરણની સમીક્ષા કરી

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times

રોહિત પઢિયાર | ભુજ: કચ્છના મેન્ગ્રોવ માટે વૈજ્ઞાનિક અભિગમ, સ્થાનિક સમુદાયની ભાગીદારી અને સ્થળ પ્રમાણે પુનઃસ્થાપન પર ભાર; 29,250 હેક્ટરના લક્ષ્યાંક સામે 27,652 હેક્ટરમાં કામગીરી

ભુજ ખાતે દરિયાકાંઠાના પર્યાવરણ અને મેન્ગ્રોવ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ વર્કશોપ યોજાઈ હતી. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કચ્છ સહિત ગુજરાતમાં મેન્ગ્રોવના સંરક્ષણ, પુનઃસ્થાપન અને લાંબા ગાળાના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેન્ગ્રોવ સંરક્ષણ માટે ટેકનોલોજી આધારિત નિર્ણય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મેન્ગ્રોવ GIS એટલે કે MGIS પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

The News Times


વર્કશોપ દરમિયાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મેન્ગ્રોવને માત્ર વૃક્ષારોપણની પ્રવૃત્તિ તરીકે જોવાને બદલે તેને સંપૂર્ણ જીવંત ઇકોસિસ્ટમ તરીકે સમજવાની જરૂર છે. દરિયાકાંઠાની જૈવવિવિધતા જાળવવા ઉપરાંત માછીમારી, દરિયાઈ પર્યાવરણનું રક્ષણ, આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી ઢાલ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોની આજીવિકા માટે મેન્ગ્રોવનું મહત્વ અત્યંત મોટું હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

The News Times

ગુજરાતમાં કેન્દ્ર સરકારના MISHTI કાર્યક્રમ હેઠળ ચાલી રહેલી કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. MISHTI એટલે કે Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes અંતર્ગત રાજ્યમાં મેન્ગ્રોવના પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે હાથ ધરાયેલી કામગીરી અંગે મંત્રીએ માહિતી મેળવી હતી. ઉપલબ્ધ વિગતો મુજબ 2023થી 2027 દરમિયાન ગુજરાતમાં 29,250 હેક્ટર વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 27,652 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે.

આ પણ વાંચો...
મુન્દ્રાના એન્જલની બેવડી સિધ્ધિ...

આ કામગીરીમાં કચ્છના કોરી ક્રીક જેવા ભૌગોલિક અને પર્યાવરણીય રીતે પડકારજનક વિસ્તારને પણ મહત્વ આપવામાં આવ્યું છે. કોરી ક્રીક વિસ્તારમાં આશરે 12,450 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવ પુનઃસ્થાપનનું કામ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. કચ્છની જમીન, પાણી, દરિયાઈ પ્રવાહ અને સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પ્રમાણે અલગ-અલગ પુનઃસ્થાપન પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી હોવાનું પણ વર્કશોપમાં જણાવાયું હતું.

The News Times


મેન્ગ્રોવ સંરક્ષણને માત્ર વન વિભાગની જવાબદારી ન રાખી સ્થાનિક લોકો સાથે જોડવાનું મહત્વ પણ બેઠકમાં સામે આવ્યું હતું. મેન્ગ્રોવ વિસ્તારો સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયોને સંરક્ષણની પ્રક્રિયામાં સામેલ કરીને તેમની આજીવિકા સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા માટેના પ્રયાસો પર ભાર મૂકાયો હતો. આ અંતર્ગત જૈવવિવિધતા વધારવાની સાથે સીવીડની ખેતી અને અન્ય આજીવિકા આધારિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંગે પણ ચર્ચા થઈ હતી.

The News Times

ભુજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 'કચ્છ મેન્ગ્રોવ્સ' અંગેની કોફી ટેબલ બુક તેમજ 'મેન્ગ્રોવ્સ એટલાસ ઓફ ગુજરાત'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનો દ્વારા ગુજરાતના મેન્ગ્રોવ વિસ્તારો, તેમની પર્યાવરણીય વિશેષતાઓ અને સંરક્ષણની દિશામાં થઈ રહેલી કામગીરીને દસ્તાવેજીકૃત કરવામાં આવી છે.

The News Times
આ પ્રસંગનું સૌથી મહત્વનું આકર્ષણ મેન્ગ્રોવ GIS એટલે કે MGIS પોર્ટલનું લોન્ચિંગ રહ્યું હતું. રાજ્યના મેન્ગ્રોવ વિસ્તારો અંગેના વૈજ્ઞાનિક અને ભૌગોલિક ડેટાના આધારે આયોજન, દેખરેખ અને સંરક્ષણ માટે આ પોર્ટલ ઉપયોગી બનશે. ટેકનોલોજીના ઉપયોગથી મેન્ગ્રોવ આવાસમાં થતા ફેરફારોને વધુ અસરકારક રીતે ટ્રેક કરી શકાશે અને જરૂરી સ્થળે સંરક્ષણ અથવા પુનઃસ્થાપનની કામગીરી માટે નિર્ણય લેવામાં મદદ મળશે.

કચ્છના ગુનેરી ગામની અનોખી પર્યાવરણીય ઓળખને પણ આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન મળ્યું હતું. ગુણેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ વિલેજ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીને કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. દરિયાકાંઠાથી દૂર આવેલા વિસ્તારમાં કુદરતી રીતે વિકસેલા ગુણેરીના ઇનલેન્ડ મેન્ગ્રોવ્સને એક દુર્લભ પર્યાવરણીય વ્યવસ્થાના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.

સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલી રહેલી સંરક્ષણ કામગીરીને ધ્યાનમાં રાખીને ગુણેરીને જાન્યુઆરી 2025માં ગુજરાતની પ્રથમ Biodiversity Heritage Site તરીકે જાહેર કરવામાં આવી હતી. આ માન્યતા કચ્છની કુદરતી સંપત્તિ અને સ્થાનિક સમુદાયના સંરક્ષણ પ્રયાસોને મળેલું મહત્વપૂર્ણ સન્માન માનવામાં આવે છે.

વર્કશોપમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ ગુજરાતમાં મેન્ગ્રોવ સંરક્ષણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી કામગીરી અને MISHTI અંતર્ગતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત વન વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણ નિષ્ણાતો, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને કચ્છના સ્થાનિક સમુદાયોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કચ્છના દરિયાકાંઠાના વિશાળ અને સંવેદનશીલ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં સંરક્ષણની કામગીરી વધુ વૈજ્ઞાનિક, સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અને ટેકનોલોજી આધારિત બનાવવાની દિશામાં આ વર્કશોપ મહત્વપૂર્ણ બની રહી છે.

કચ્છના દરિયાકાંઠે ફેલાયેલા મેન્ગ્રોવ માત્ર હરિયાળીનો વિસ્તાર નથી, પરંતુ દરિયાઈ પર્યાવરણ, જૈવવિવિધતા અને સ્થાનિક આજીવિકા સાથે જોડાયેલી કુદરતી સંપત્તિ છે. ભુજમાં યોજાયેલી આ બેઠકમાં થયેલી ચર્ચાઓ અને લોન્ચ થયેલા MGIS પોર્ટલથી આગામી સમયમાં મેન્ગ્રોવ સંરક્ષણ માટેના આયોજનને વધુ સુવ્યવસ્થિત અને ડેટા આધારિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ