રોહિત પઢિયાર | મુન્દ્રા: કચ્છના મુન્દ્રા તાલુકાના શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય અતુલભાઈ પંડ્યાએ પોતાની કામગીરીના બળે રાષ્ટ્રીય સ્તરે બે મહત્વપૂર્ણ સન્માન મેળવી મુન્દ્રા સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ માટેની પ્રવૃત્તિઓ અને રોટરીના માધ્યમથી સમાજસેવામાં આપેલા યોગદાન બદલ તેમને અલગ-અલગ સમારોહમાં પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મુંબઈ ખાતે યોજાયેલા ‘AICPE ઈન્ડિયા એજ્યુકેશન એવોર્ડ્સ 2026’ સમારોહમાં અતુલભાઈ પંડ્યાની સંસ્થા ‘એન્જલ કોમ્પ્યુટર્સ’ને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન મળ્યું હતું. મુંબઈની આઈટીસી મરાઠા હોટેલમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી અમૃતા પ્રકાશના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશભરની 3,000થી વધુ સંસ્થાઓમાંથી ‘એન્જલ કોમ્પ્યુટર્સ’ને ‘કરેક્ટિવ કમ્યુનિટી એજ્યુકેશન ઈમ્પેક્ટ’ કેટેગરી હેઠળ ભારતની ટોચની 10 સંસ્થાઓમાં સ્થાન મળ્યું હતું.
આ જ પ્રસંગે કૌશલ્ય વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ અતુલભાઈ પંડ્યાને ‘ઈન્ડિયા સ્કિલ ચેમ્પિયન એવોર્ડ 2026’થી પણ નવાજવામાં આવ્યા હતા. લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને યુવાનોને કોમ્પ્યુટર તથા ડિજિટલ કૌશલ્યની તાલીમ આપીને તેમને રોજગારલક્ષી બનાવવાના પ્રયાસોની આ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
બીજી તરફ રાજસ્થાનના આબુરોડ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના વાર્ષિક એવોર્ડ સમારોહ ‘શાબાશિયા 2025-26’માં પણ અતુલભાઈ પંડ્યાને વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીના હસ્તે તેમને ‘બેસ્ટ અતુલ્ય રોટેરિયન’ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ પણ વાંચો...
પરંપરા સચવાય અને સંસ્કૃતિ જીવંત રહે...
પરંપરા સચવાય અને સંસ્કૃતિ જીવંત રહે...
રોટરીની કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે તેમણે નોંધપાત્ર જવાબદારી નિભાવી હતી. 102માંથી 84 ક્લબનું myrotary.org પોર્ટલ પર 100 ટકા રજીસ્ટ્રેશન કરાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ઉપરાંત 99 ક્લબને રોટરી ઈન્ટરનેશનલ સિટિએશન અપાવવામાં પણ તેમણે સહયોગ આપ્યો હતો.
અતુલભાઈ પંડ્યા અગાઉ બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ સેક્રેટરી અને બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર સહિતના સન્માન મેળવી ચૂક્યા છે. ‘એન્જલ કોમ્પ્યુટર્સ’ના માધ્યમથી ટાઈપિંગથી લઈને આધુનિક ડિજિટલ શિક્ષણ સુધીની તાલીમ આપીને તેઓ યુવાનોને સ્વાવલંબી બનવાની દિશામાં પ્રેરિત કરી રહ્યા છે. તેમની આ બેવડી સિદ્ધિ કચ્છના શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્ર માટે પ્રેરણારૂપ બની છે.


0 ટિપ્પણીઓ: