શ્રાવણ માસ દરમિયાન રતાડીયા સ્થિત શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સતત ભક્તિભાવ જોવા મળ્યો હતો. સમગ્ર માસ દરમિયાન શિવભક્તોએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના અને વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. શ્રાવણના અંતિમ સોમવારે શિક્ષિકા જાગૃતિબેન પ્રકાશચંદ્ર ઠક્કર પરિવાર તરફથી લઘુરુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે દિનેશભાઈ હરિભાઈ જોશીએ આચાર્ય તરીકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરાવ્યું હતું.
શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસ નિમિત્તે ગામના વિષ્ણુ સમાજ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનનું સંકલન બગીચાવાળા હનુમાન દાદાના પુજારી પ્રકાશભાઈ ગીરીશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. રતાડીયા ગામમાં આવેલા ગણેશ મંદિર અને શંકર મંદિર ખાતે રાજ પ્રકાશનાથ ગુસાઈ દ્વારા નિયમિત રીતે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
હવે શ્રાવણની પૂર્ણાહુતિ બાદ ગામમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ તેજ બની છે. રતાડીયા ગામના ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના દિવસે મુલાણી પરિવાર (લોહાણા-ઠક્કર) દ્વારા હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગણેશ નગરી ખાતે શ્રી ગજાનંદ મિત્ર મંડળ રતાડીયા દ્વારા ત્રણ દિવસીય સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાશે. મહોત્સવ દરમિયાન ગણેશજીની સ્થાપના, દર્શન અને પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ગામજનો તથા આસપાસના શ્રદ્ધાળુઓ જોડાશે.
રતાડીયા મૂળ જૈન પરંપરા ધરાવતું ગામ હોવાથી આગામી પાંચમના દિવસે સંવતસરી પર્વની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સંવતસરીના પાવન પ્રસંગે ગામના લોકો પરસ્પર ક્ષમાયાચના કરી ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવી વર્ષ દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માંગશે. આ રીતે ગામમાં હિન્દુ અને જૈન પરંપરાના વિવિધ ધાર્મિક પર્વો સાથે મળીને ઉજવાતા હોવાથી સામાજિક એકતા અને ધાર્મિક સૌહાર્દની ભાવના પણ ઉજાગર થઈ રહી છે.
દરમિયાન શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં વરસાદની ખેંચની ચિંતા ગામડાના લોકોમાં જોવા મળી રહી છે. ખેડૂતો, માલધારીઓ અને પશુધન માટે સમયસર વરસાદ ખૂબ જ મહત્વનો બની રહે છે. જોકે, હાલ સરકારી તંત્ર સમક્ષ અછતની માંગણી કરવી વહેલી ગણાય તેવી સ્થિતિ વચ્ચે ગામજનો પોતાની શ્રદ્ધા અને આસ્થાના આધારે મહાદેવ, મહાવીર અને ગણેશજીના ચરણોમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગામજનોની લાગણી એવી છે કે જો આગામી દિવસોમાં ત્રણ-ચાર દિવસ સારો અને ધોધમાર વરસાદ વરસે તો ખેતી સાથે પશુપાલન ક્ષેત્રને પણ મોટી રાહત મળી શકે. વરસાદની આતુરતાની વચ્ચે રતાડીયામાં ધાર્મિક આસ્થા વધુ પ્રબળ બની છે અને ગામજનો હવે ભગવાનના આશીર્વાદ સાથે મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે. આમ, શ્રાવણની શિવભક્તિથી શરૂ થયેલો આ ધાર્મિક માહોલ હવે ગણેશોત્સવ અને સંવતસરીની ક્ષમાભાવના સુધી આગળ વધ્યો છે.





0 ટિપ્પણીઓ: