વિશ્વભરના હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે મહાપૂજાથી ગુંજ્યું મંદિર પરિસર
અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજના સપ્તદિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય, જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પાવન અધ્યક્ષતામાં યોજાયેલા આ મહોત્સવની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજાથી કરવામાં આવી હતી. મંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને દિવ્ય ઉલ્લાસના રંગોથી છલકાતું જોવા મળ્યું હતું.
રજત પ્રતિષ્ઠા મહોત્સવના આ ઐતિહાસિક અવસરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવી સમગ્ર સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના યુનાઈટેડ સ્ટેટ્સ સેનેટના સભ્ય શ્રી કોરી એ. બુકરે પણ શુભેચ્છા વ્યક્ત કરી મહોત્સવની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. બંને મહાનુભાવોના સંદેશોએ કાર્યક્રમમાં ઉપસ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જન્માવી હતી.
આ પણ વાંચો....
આ પવિત્ર મહોત્સવમાં ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, લંડન, બોલ્ટન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્કૃતિ અને પ્રદેશોમાં વસતા ભક્તોએ એક જ આધ્યાત્મિક સૂત્રમાં જોડાઈ ભગવાન પ્રત્યેની અખંડ આસ્થા અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, વૈદિક વિધિઓ અને આધ્યાત્મિક પ્રવચનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી સહિત સંતમંડળની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો હરિભક્તો જોડાવાના છે. શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સનાતન મૂલ્યો અને વૈશ્વિક આધ્યાત્મિક એકતાનું જીવંત પ્રતિક બની વિશ્વભરના ભક્તોને ભક્તિ અને સેવા તરફ પ્રેરિત કરતો મહોત્સવ બની રહ્યો છે.
____________________________
અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.


0 Comments