BOB RSETI કચ્છ દ્વારા મફત તાલીમ, ભોજન અને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે આત્મનિર્ભર બનવાની તક
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રાયોજન હેઠળ અને કચ્છ જિલ્લાના લીડ બેંક તરીકે કાર્યરત બેંક ઓફ બરોડાના સંચાલન હેઠળ ચાલી રહેલું રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (RSETI) કચ્છ ગ્રામિણ વિસ્તારોમાં રહેતા બેરોજગાર યુવકો અને યુવતીઓને સ્વરોજગાર માટે સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય હેતુ ગ્રામિણ યુવાનોને વ્યવસાયલક્ષી કૌશલ્ય શીખવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
કચ્છ જેવા વિશાળ જિલ્લામાં ઘણા યુવાનો રોજગારની શોધમાં શહેરો તરફ વળતા હોય છે. પરંતુ RSETI કચ્છ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં રહેતા યુવાનોને પોતાના ગામ નજીક જ વિવિધ વ્યવસાયલક્ષી તાલીમો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે તેઓ પોતાના વિસ્તારમાં જ સ્વરોજગાર શરૂ કરી શકે છે.
સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રાયોગિક અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. તેમાં સેલફોન રિપેરિંગ, એર કન્ડિશનર અને રેફ્રિજરેશન રિપેરિંગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાઇડ, કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ તેમજ એલએમવી મોટર ડ્રાઇવિંગ જેવા અનેક કોર્ષનો સમાવેશ થાય છે. આ તમામ તાલીમોમાં પ્રાયોગિક અભ્યાસ પર ખાસ ભાર મૂકવામાં આવે છે જેથી તાલીમાર્થીઓને હકીકતમાં કામ કરવાની સંપૂર્ણ સમજ મળી શકે.
સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને માત્ર તાલીમ જ નહીં પરંતુ અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તાલીમ દરમિયાન બે સમયનું ભોજન, સવારે નાસ્તો તેમજ દિવસ દરમિયાન બે વખત ચા જેવી સુવિધાઓ આપવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ તમામ તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો પણ તેનો લાભ લઈ શકે.
તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે તેમને રોજગાર મેળવવા અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ ઉપરાંત જો કોઈ તાલીમાર્થી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવા માંગે તો તેને જરૂરી માર્ગદર્શન, દસ્તાવેજી પ્રક્રિયા અને બેંકિંગ સહાયતા પણ RSETI કચ્છ દ્વારા આપવામાં આવે છે.
BOB RSETI કચ્છના નિયામક પ્રતિક જોશીએ ‘ધ ન્યૂઝ ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સંસ્થામાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી તથા એર કન્ડિશનર અને રેફ્રિજરેશન ક્ષેત્રની તાલીમ ચાલી રહી છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના કોર્ષ માટે ભુજના માસ્ટર ટ્રેનર રોહિત પઢિયાર અને આનંદ જિલ્લાના માસ્ટર ટ્રેનર દિનેશ પાટીલ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે તાલીમાર્થીઓ ખૂબ ઓછા સમયમાં આધુનિક ટેક્નોલોજી સાથે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના પ્રોફેશનલ કૌશલ્ય શીખી રહ્યા છે. પ્રાયોગિક તાલીમના કારણે ઘણા તાલીમાર્થીઓ ટૂંકા સમયમાં જ કેમેરા હેન્ડલિંગ, લાઇટિંગ, વિડિયો શૂટિંગ અને એડિટિંગ જેવી બાબતોમાં નિષ્ણાત બનતા જોવા મળી રહ્યા છે.
નિયામક પ્રતિક જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આવનારા સમયમાં પણ વિવિધ ક્ષેત્રોની સ્વરોજગારલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવશે, જેથી વધુમાં વધુ યુવાનોને તેનો લાભ મળી શકે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારના બેરોજગાર યુવાનો માટે આ તાલીમ કાર્યક્રમ જીવન બદલાવનાર તક સાબિત થઈ શકે છે.
તેમણે કચ્છ જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં રહેતા યુવાનોને અપીલ કરી હતી કે જો તેઓ સ્વરોજગાર માટે કોઈ વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા ઇચ્છતા હોય તો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઈને સમયસર નોંધણી કરાવે અને આ તકનો લાભ લે.
આ રીતે BOB RSETI કચ્છ દ્વારા ગ્રામિણ યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ આપીને તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેનાથી ગામડાંના યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારના નવા માર્ગો ખુલ્લા થઈ રહ્યા છે.
અહેવાલ: રોહિત પઢિયાર, ભુજ
મો.966 492 8653
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.







0 Comments