ભુજ તાલુકા પંચાયતની કુલ ૩ર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩ બેઠકો બિનહરીફ અંકે કરી હતી. ચૂંટણીના પરીણામોમા ભારતીય જનતા પાર્ટીના ફાળે કુલ ર૪ બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર ૮ બેઠકો મળી હતી. ચૂંટણી બાદ હવે હોદ્દેદારોની વરણી માટેની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરાઈ છે. જેમાં ભુજની તાલુકા પંચાયતનું તાજ મંજુલાબેન હરીશ ભંડેરીને સોંપાયું છે. હોદ્દેદારોની વરણી માટે ભુજ ખાતે કેડીસીસી બેંકમાં ભારતીય જનતા પાર્ટીની મિટીંગ યોજવામા આવી હતી. શરૂઆતથી મંજુલા બેનના નામ ની અટકળો ચાલતી હતી તેના પર મંજુરીની મહોર મરાઈ છે. તાલુકા પંચાયતની અગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયેલા માનકુવા સીટના વિજેતા સદસ્ય મંજુલાબેન હરીશભાઈ ભંડેરીને પ્રજા સેવાનો મોકો અપાયો છે. જ્યારે ઉપપ્રમુખ પદે ડગાડા બેઠકના ડાહ્યાભાઈ ગોપાલભાઈ વરચંદ, કારોબારી ચેરમેન પદે કુકમા બેઠકના જયનેશ શાંતિલાલ વરૂ, સત્તાપક્ષના નેતા તરીકે ઝુરા બેઠકના મામદ જત તેમજ દંડક તરીકે ધ્રોબાણા સીટના દીલાવરસિંહ સ્વરૂપાજી સોઢાના નામ મહોર મરાઈ છે. આજે જાહેર થયેલા ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધીકારી શૈલેષ રાઠોડ સમક્ષ ફોર્મ રજુ કરવામા આવ્યા હતા. ફોર્મ ભર્યા બાદ હોદ્દેદારોનું ભાજપ કાર્યાલય ખાતે સન્માન પણ કરાયું હતું. આ તકે જિલ્લા કોષાધ્યક્ષ દિલીપભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, વાઘજીભાઈ આહિર, દિનેશભાઈ ઠક્કર સહિતના હાજર રહ્યા હતા. આવતીકાલે યોજાનારી સામાન્યસભામાં આ નામોની વિધિવત વરણી કરવામાં આવશે.


0 ટિપ્પણીઓ: