રોહિત પઢિયાર | કચ્છ : કચ્છના ઔદ્યોગિક વિકાસની દિશામાં અંજાર સ્થિત વેલસ્પન વર્લ્ડનું ઉત્પાદન સંકુલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે વેલસ્પન વર્લ્ડની મુલાકાત લઈને કંપનીની આધુનિક ઉત્પાદન વ્યવસ્થા, વૈશ્વિક સ્તરની ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ઔદ્યોગિક પ્રગતિની સાથે પ્રાકૃતિક સંસાધનોનું જતન કરવું પણ એટલું જ જરૂરી હોવાનું જણાવી ટકાઉ વિકાસનો સંદેશ આપ્યો હતો.
વેલસ્પન વર્લ્ડના અંજાર સ્થિત વિશાળ ઔદ્યોગિક સંકુલ ખાતે કંપનીના ચેરમેન બી. કે. ગોયન્કા અને દીપાલી ગોયન્કાએ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરી કંપનીની ઉત્પાદન ક્ષમતા, આધુનિક માળખાકીય સુવિધાઓ, નવીન ટેકનોલોજી અને વૈશ્વિક બજારને અનુરૂપ ઉત્પાદન પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મંત્રીએ સંકુલમાં કાચા માલના પ્રારંભિક તબક્કાથી લઈને તૈયાર કાપડ ઉત્પાદનો સુધીની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
સ્પિનિંગની પ્રક્રિયાથી શરૂ કરીને ટુવાલ અને બેડશીટ જેવા ઉત્પાદનો તૈયાર થાય ત્યાં સુધીની સમગ્ર ઉત્પાદન વ્યવસ્થા એક જ સ્થળે કાર્યરત હોવાની વિશેષતા મંત્રીના ધ્યાનનું કેન્દ્ર બની હતી. આધુનિક મશીનરી, ગુણવત્તા નિયંત્રણ અને સંકલિત ઉત્પાદન વ્યવસ્થાને તેમણે ભારતીય કાપડ ઉદ્યોગની વૈશ્વિક ક્ષમતાનું ઉદાહરણ ગણાવ્યું હતું.
ખાસ કરીને ઓછા વરસાદ અને શુષ્ક આબોહવા ધરાવતા કચ્છ વિસ્તારમાં વેલસ્પન દ્વારા જળ પુનઃચક્રણ, હરિયાળીકરણ અને પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે કરવામાં આવતી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. હરિયાળીથી આચ્છાદિત ઔદ્યોગિક પરિસરને જોઈ તેમણે તેને 'બગીચાની વચ્ચે આવેલી ઉત્પાદન સુવિધા'ની કલ્પનાને સાકાર કરતું ઉદાહરણ ગણાવ્યું હતું.
સ્પિનિંગથી ટુવાલ અને બેડશીટના ઉત્પાદન સુધીની પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ; આધુનિક ટેકનોલોજી, જળ પુનઃચક્રણ અને પર્યાવરણલક્ષી ઉત્પાદન વ્યવસ્થાની કરી પ્રશંસા
મુલાકાતના ભાગરૂપે ગિરિરાજ સિંહે સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પ્રકૃતિની સુંદરતા જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટેની અમૂલ્ય ધરોહર છે. પર્યાવરણનું જતન અને વૃક્ષોનું સંવર્ધન દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણીય સંતુલન જાળવીને થવો જોઈએ. આધુનિક ટેકનોલોજી, જવાબદાર ઉત્પાદન અને સંસાધનોના સમજદારીપૂર્વક ઉપયોગથી જ વિકાસને લાંબા ગાળે ટકાઉ બનાવી શકાય છે. ભારતનો કાપડ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ વિસ્તારી રહ્યો છે ત્યારે વેલસ્પનનું અંજાર સંકુલ ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણની જાળવણી વચ્ચે સંતુલન સાધવાની દિશામાં પ્રેરણારૂપ બની રહ્યું છે.



0 ટિપ્પણીઓ: