રોહિત પઢિયાર | ભુજ : અસત્ય પર સત્યના વિજયના પ્રતીક એવા વિજયાદશમીના પર્વ નિમિત્તે ભુજમાં વર્ષોથી જળવાઈ રહેલી રાજપરંપરાનું ગૌરવપૂર્ણ પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. મંગળવારની સાંજે નવા સ્વામિનારાયણ મંદિર સામે આવેલા આશાપુરા પ્રાથમિક શાળા કેમ્પસમાં પરંપરાગત શસ્ત્રપૂજન અને શમીવૃક્ષના પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મહારાણી પ્રિતીદેવીબાના શુભ હસ્તે પૂજાવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે રાજપરિવારના સભ્યો, વિવિધ વિસ્તારોના ઠાકોરસાહેબો, રાજકીય આગેવાનો અને ક્ષત્રિય સમાજના ભાયાતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.
વિજયાદશમીના પર્વ સાથે શસ્ત્રપૂજનની પરંપરા વીરતા, શૌર્ય, ધર્મ અને ન્યાયના આદર્શો સાથે જોડાયેલી છે. જ્યારે શમીવૃક્ષનું પૂજન શુભતા, સમૃદ્ધિ અને વિજયના પ્રતીક તરીકે કરવામાં આવે છે. કચ્છની રાજવી પરંપરામાં આ ધાર્મિક વિધિઓનું વિશેષ સ્થાન રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતરિવાજો અને ધાર્મિક શ્રદ્ધા સાથે પૂજનવિધિ યોજાઈ હતી, જેના માધ્યમથી ઐતિહાસિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.
આ શુભ અવસરે કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ, તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ સહપરિવાર, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ સહપરિવાર તથા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીબા ઝાલા, હકુમતસિંહજી જાડેજા, નગરસેવક રાજેન્દ્રસિંહ જાડેજા, વિજેશકુમાર પુંજા સહપરિવાર, શક્તિસિંહ જાડેજા, પ્રમોદભાઈ જેઠી, દલપતભાઈ દાણીધારિયા, કિશોરભાઈ મોરબીયા, માંડવીના વિપુલભાઈ સોઢા, ગુંદીયારીના યોગેન્દ્રસિંહ સોઢા, સમીરભાઈ ભટ્ટ અને દેવપરના વિશાલભાઈ સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ભાયાતોએ હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રી તેજસ મહારાજ અને જયેશભાઈ ઓઝાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પ્રાગમહેલના સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી. રાજપરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સમન્વય જોવા મળ્યો હતો. વિજયાદશમીના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા કચ્છની ઐતિહાસિક રાજવી પરંપરાનું જતન અને આગામી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવાનો સંદેશ પ્રસર્યો હતો.




0 ટિપ્પણીઓ: