જગદીશ પી. દવે / દેશલપર (ગુંતલી) : દેશલપરથી હાજીપીર સુધીના માર્ગનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે, ત્યારે માર્ગ પર વાહનચાલકોની સુરક્ષા અને માર્ગદર્શન માટે સૂચનાબોર્ડ સહિતનાં સુરક્ષા સંબંધી બોર્ડ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન દેશલપર (ગુંતલી) ગામની સીમમાં આવેલા ઐતિહાસિક ગુંતલી માતાજીના મંદિરનું મંદિરના ફોટોગ્રાફ સાથેનું સૂચનાબોર્ડ લગાવવામાં આવતાં ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
દેશલપર ગામની સીમમાં આવેલું ઐતિહાસિક ગુંતલી માતાજીનું મંદિર દેશલપર–હાજીપીર રોડથી અંદાજે દોઢથી બે કિલોમીટરના અંતરે આવેલું છે. આ માર્ગ પરથી પસાર થતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મંદિરની ઓળખ મળી રહે તેમજ મંદિર સુધી પહોંચવામાં સરળતા રહે તે હેતુથી મંદિરના સુંદર ફોટોગ્રાફ સાથે સૂચનાબોર્ડ લગાવવામાં આવ્યું છે.
આ અંગે દેશલપર (ગુંતલી)ના પૂર્વ ઉપસરપંચ પ્રવીણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા ગુંતલી માતાજીના મંદિરને માર્ગ પર સૂચનાબોર્ડ દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે તે ગામ માટે આનંદ અને ગૌરવની બાબત છે. સંબંધિત તંત્ર દ્વારા આ બાબતની નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે, તે આવકારદાયક અને પ્રશંસનીય છે.
રોડની કામગીરી પૂર્ણ થવાની સાથે માર્ગ સલામતી માટેનાં બોર્ડ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળની ઓળખ દર્શાવતા સૂચનાબોર્ડ લગાવવાની કામગીરીને ગ્રામજનો આવકારી રહ્યા છે. આ બદલ સંબંધિત તંત્ર તેમજ રોડ કોન્ટ્રાક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
વિકાસની સાથે સ્થાનિક ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરને પણ ઓળખ મળે તેવો આ પ્રયાસ દેશલપર (ગુંતલી)ના ગ્રામજનો માટે આનંદની વાત બન્યો છે.


0 ટિપ્પણીઓ: