રોહિત પઢિયાર | ભુજ : અબડાસા તાલુકાના ડુમરા વાડી વિસ્તારમાં પ્રસૂતિની પીડા સાથે મદદની રાહ જોઈ રહેલી મહિલાને 108 ઈમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા અને તબીબી કુશળતાથી તાત્કાલિક સારવાર આપી ટ્રેક્ટરની ટ્રોલીમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. અંધકાર વચ્ચે એમ્બ્યુલન્સની લાઇટના પ્રકાશમાં કરવામાં આવેલી આ કામગીરીથી માતા અને નવજાત બાળક બંનેની તબિયત સ્થિર રહી હતી.
ડુમરા વાડી વિસ્તારમાં રહેતા નીતાબેન ગોવિંદ નાયકને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ મળતાં ડુમરા લોકેશન પર તૈનાત 108 એમ્બ્યુલન્સના EMT સાહિલ જોષી અને પાઇલોટ અશોક ચંદે વિલંબ કર્યા વિના ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા.
દરમિયાન 108 ટીમે મહિલાના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. પરિવારજનોએ મહિલાને ટ્રેક્ટરમાં બેસાડીને 108 ટીમ તરફ આવવાનું જણાવ્યું હતું, કારણ કે પ્રસૂતિની પીડા સતત વધી રહી હતી. 108 ટીમ ટ્રેક્ટર સુધી પહોંચ્યા બાદ મહિલાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થિતિ એવી હોવાનું જણાયું કે હોસ્પિટલ સુધી પહોંચાડવા કરતાં સ્થળ પર જ તાત્કાલિક પ્રસૂતિ કરાવવી જરૂરી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને સમજી EMT સાહિલ જોષીએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. આસપાસ અંધારું હોવાથી એમ્બ્યુલન્સની લાઇટનો ઉપયોગ કરીને ટ્રેક્ટરની ટ્રોલીમાં જ જરૂરી તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોતાની તાલીમ અને અનુભવના આધારે સાહિલ જોષીએ સફળતાપૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. આ દરમિયાન પાઇલોટ અશોક ચંદેએ પણ જરૂરી સહયોગ આપ્યો હતો.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની સ્થિતિ સારી હોવાનું જણાતાં 108 ટીમે બંનેને જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વધુ તબીબી દેખરેખ અને સારવાર માટે માતા તથા બાળકને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં 108 ટીમે સમયસર પહોંચીને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી લીધેલા નિર્ણયને કારણે પ્રસૂતિ જેવી ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. કચ્છ જિલ્લાના 108 પ્રોગ્રામ મેનેજર ડૉ. ભંવરલાલ પ્રજાપતિ અને EME જબરસિંહ દ્વારા EMT સાહિલ જોષી તથા પાઇલોટ અશોક ચંદેની કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ઇમરજન્સીની સ્થિતિમાં 108ની ટીમ માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ જ નહીં, પરંતુ જરૂરી બને ત્યારે રસ્તામાં જ તાત્કાલિક તબીબી સેવા પણ પૂરી પાડે છે.


0 ટિપ્પણીઓ: