તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મહિલા શક્તિ અને સંગઠનભાવનો અનોખો ઉત્સવ - શ્રી વી.બી.સી. મહિલા મંડળે સર્જી યાદગાર મસ્તીભરી સાંજ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

વી.બી.સી. મહિલા મંડળે સર્જી યાદગાર મસ્તીભરી સાંજ

The News Times


શ્રી વી.બી.સી. મહિલા મંડળ દ્વારા ભુજ શહેરમાં મહિલાઓના સંગઠન, સંસ્કાર, મનોરંજન અને પરસ્પર સૌહાર્દને સમર્પિત એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “આનંદ અને મનોરંજનથી મસ્તીભરી સાંજ” નામે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં બહેનોનો ઉત્સાહ, રંગબેરંગી પરિધાન અને ખુશીભર્યો માહોલ સમગ્ર સાંજને યાદગાર બનાવી ગયો હતો.


કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબહેન ખંડોલએ સંભાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભાવવિભોર પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થયો હતો. ત્યારબાદ મંડળની મંત્રી નિર્મળાબહેન દોશીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને જીવંત સંચાલન કરી ઉપસ્થિત સૌને કાર્યક્રમ સાથે સતત જોડાયેલા રાખ્યા હતા.

The News Times


આ પ્રસંગે હંસાબહેન મહેતા દ્વારા મહિલા મંડળની વર્ષભરની પ્રવૃત્તિઓ, સેવાકીય કાર્યો અને વાર્ષિક હિસાબનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મંડળ દ્વારા સમાજસેવા, મહિલાઓના સશક્તિકરણ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોની ઝાંખી ઉપસ્થિત બહેનો માટે પ્રેરણારૂપ બની હતી. સાથે જ નિર્મળાબહેન દોશીએ જીવદયા અને માનવસેવા સંબંધિત પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી સમાજ માટે વધુ ઉપયોગી કાર્યોમાં સહભાગી બનવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો....
કચ્છમાં મેડિકલ સ્ટોરની હડતાળ.....

કાર્યક્રમ દરમિયાન સમાજ અને મહિલા મંડળના વિકાસ માટે વિવિધ રચનાત્મક વિચારો અને સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોગ શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપનાર લતાબહેન વોરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાહિત્ય, સામાજિક જાગૃતિ અને સર્જનાત્મક લેખન માટે જાણીતા મહેશ પ્રભુલાલ મહેતાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન સ્વીકારતા મહેશભાઈએ મહિલા મંડળનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સમાજ અને મંડળ માટે હંમેશા ઉપયોગી બનવાની ભાવના વ્યક્ત કરી હતી.


મનોરંજનથી ભરપૂર કાર્યક્રમમાં યોજાયેલ લકી ડ્રો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ઉપપ્રમુખ હર્ષિદાબહેન મહેતાના હસ્તે ભાગ્યશાળી વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સદાબહાર હાઉઝી રમતમાં પણ બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી, જેમાં કલ્પનાબહેન ભરત મહેતા તરફથી આકર્ષક ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રમુખ જયશ્રીબહેન ખંડોલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મહિલા મંડળ માત્ર મનોરંજન પૂરતું મંચ નથી, પરંતુ મહિલાઓના સંગઠન, સેવા, સંસ્કાર અને પરસ્પર સહયોગને મજબૂત બનાવતું સશક્ત માધ્યમ છે. તેમણે કારોબારી સભ્યોના સૂચનોને આવકારી ભવિષ્યમાં મંડળને વધુ સક્રિય અને પ્રગતિશીલ બનાવવા સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી.


કાર્યક્રમનો વિશેષ આકર્ષણ “પટોળા ડ્રેસકોડ” રહ્યો હતો. રંગીન અને પરંપરાગત પટોળા પરિધાનમાં સજ્જ બહેનોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને વધુ આકર્ષક બનાવી દીધો હતો. સહમંત્રી અરુણાબહેન ખંડોલ દ્વારા શ્રેષ્ઠ પરિધાન માટે પસંદ કરાયેલા પાંચ સભ્યોને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દાબેલી અને મોજીટો જેવા સ્વાદિષ્ટ અલ્પાહારનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ કલાબહેન શેઠ તથા કારોબારી સભ્ય કુસુમબહેન મોરબીયા દ્વારા “બુદ્ધિની કસોટી” નામની રસપ્રદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન, બુદ્ધિ અને મનોરંજનનો સમન્વય ધરાવતી આ સ્પર્ધામાં કુલ ૪૮ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં હર્ષિદાબહેન મહેતા ગ્રુપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે અરુણાબહેન ખંડોલ ગ્રુપ દ્વિતીય સ્થાને રહ્યું હતું. વિશેષ બાબત એ રહી કે ભાગ લેનાર તમામ ટીમોને પ્રોત્સાહક ઇનામો આપી સૌના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવવા ભુજ સમાજના મંત્રી ભોગીલાલ મહેતા તથા તેમની ટીમ, યુવક મંડળના પ્રમુખ આશિષભાઈ બાબરીયા અને યુવતી મંડળના પ્રમુખ નેહલબહેન શેઠ તેમની ટીમ સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી પરસ્પર પ્રેમ, એકતા અને આનંદની ભાવના સાથે સુંદર સાંજની પૂર્ણાહુતિ કરી હતી. મહિલા મંડળના તમામ કારોબારી સભ્યોની મહેનત અને સુવ્યવસ્થિત આયોજનના કારણે આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે લાંબા સમય સુધી યાદ રહી જાય તેવી પ્રેરણાદાયી અને આનંદમય સાંજ સાબિત થયો હતો. 
______________________________

અહેવાલ: મહેશ મહેતા | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ