રોહિત પઢિયાર | ભુજ : કચ્છના નખત્રાણા તાલુકામાં યોજાઈ રહેલો મોટા યક્ષનો લોકમેળો માત્ર મનોરંજન અને લોકસંસ્કૃતિનું કેન્દ્ર જ નહીં, પરંતુ આ વર્ષે સ્વચ્છતા અંગે જનજાગૃતિનું માધ્યમ પણ બની રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા આ મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશને લોકો સુધી પહોંચાડવા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો, કચ્છ જિલ્લા અને નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર તેમજ સાયરા જૂથ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસોથી મેળા પરિસરમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સાયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ, પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકભાઈ ગઢવી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ, કેન્દ્રીય સંચાર બ્યુરોના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સદસ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા.
સ્વચ્છતાના નારા સાથે નીકળેલી રેલી બાદ મેળા પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને આગેવાનો પણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા અને વેપારીઓ તથા મુલાકાતીઓને કચરો જ્યાં-ત્યાં ન ફેંકવા તેમજ મેળાનું પરિસર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને સમજ આપવામાં આવી હતી અને વિકલ્પ તરીકે કપડાની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારતના નિર્માણ માટે મેળાના મુલાકાતથીઓ થઈ રહ્યા છે સંકલ્પબધ્ધ
મેળામાં યોજાયેલા મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે સ્વચ્છતા વિષયક વક્તવ્ય, વિવિધ સ્પર્ધાઓ અને નાટક સહિતના કાર્યક્રમો દ્વારા લોકોને સરળ અને મનોરંજક રીતે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મેળા તથા ગામની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા મુજબ, મેળામાં આવતા લોકોને સ્વચ્છ ભારત અભિયાન અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને મુલાકાતીઓ પણ સ્વચ્છતા અંગે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે સ્વચ્છતાનો સંકલ્પ લઈ રહ્યા છે.




0 ટિપ્પણીઓ: